- મધ્યપૂર્વના દેશોમાં ચીનના સંબંધો વધ્યા
- ચીન ઓમાનમાં બનાવશે સૈન્ય મથક
- જિબૂટીમાં પહેલાથી જ મથક ધરાવે છે ચીન
ચીન મધ્ય પૂર્વના દેશો સાથે સંરક્ષણ અને રાજદ્વારી સંબંધોને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ શ્રેણીમાં ચીન ઓમાનમાં પોતાનું સૈન્ય મથક સ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ મામલો એટલો મોટો છે કે અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગોને તેના વિશે રાષ્ટ્રપતિ જો બાઈડનને સંપૂર્ણ માહિતી આપી છે. મીટિંગ દરમિયાન પેન્ટાગોને જણાવ્યું કે અમેરિકન સલાહકારો ઓમાનમાં ચીનના આ સૈન્ય મથક વિશે શું વિચારે છે. આ માહિતી બાઈડેન સાથે શેર કરવામાં આવી છે જ્યારે તેઓ અમેરિકામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે રૂબરૂ મુલાકાત કરવાના છે. આફ્રિકન દેશ જિબુટીમાં ચીન પહેલાથી જ નેવલ બેઝ ધરાવે છે, જ્યારે કંબોડિયાનું રીમ નેવલ બેઝ તૈયાર છે.
બાઈડેનને કહેવામાં આવ્યું હતું કે ચીની લશ્કરી અધિકારીઓએ ગયા મહિને ઓમાની સમકક્ષો સાથે આ બાબતે ચર્ચા કરી હતી, જેઓ આવા કરાર માટે જવાબદાર હોવાનું કહેવાય છે જેનો અહેવાલ બ્લૂમબર્ગે આપ્યો હતો. નામ જાહેર ન કરવાની શરતે અમેરિકી અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ આગામી સપ્તાહમાં વધુ ચર્ચા માટે સંમત થયા છે. ચીનના વિદેશ મંત્રાલયે અને વ્હાઇટ હાઉસે જો કે આ બાબતે મૌન સેવ્યું હતું. યુ.એસ.માં ઓમાનના દૂતાવાસે પણ આ મામલે કોમેન્ટ કરી નહતી.
ઓમાનમાં લશ્કરી બેઝ
ઓમાનમાં લશ્કરી થાણું ચીન માટે અન્ય વિદેશી લશ્કરી બેઝ માટે એક સપ્લાય સ્ટેશન જેવું બની રહેશે, જેથી તે આફ્રિકાના જીબુટીમાં લોજિસ્ટિક્સ કેન્દ્ર તરીકે ચાલુ રાખી શકે છે. પરંતુ, યુએસએ વર્ષોથી દાવો કર્યો છે કે ચીન યુએઈ અને થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને પાકિસ્તાન સહિત એશિયાના અન્ય દેશોમાં પણ પોતાની સેના માટે સૈન્ય લોજિસ્ટિક્સ સુવિધાઓ બનાવવા માંગે છે. ઓમાનમાં ચીન કયા સ્થળે સૈન્ય મથક બનાવવાની તૈયારી કરી રહ્યું છે તેની જાણકારી હજુ સુધી સામે આવી નથી.
ઓમાનમાં ચીનના બેઝથી અમેરિકાને ખતરો
ઓમાનમાં ચીનનું લશ્કરી મથક અમેરિકા માટે પડકારરૂપ બની રહેશે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ કુવૈત, બહેરીન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત સહિત સમગ્ર પ્રદેશમાં તૈનાત સૈનિકોની દેખરેખ રાખે છે. યુએસ સિક્યોરિટી પ્રોજેક્ટ અનુસાર, ઓમાન પર્સિયન ગલ્ફમાં પહેલો દેશ હતો જેણે 1980માં એક્સેસ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરીને યુએસ સાથે લશ્કરી ભાગીદારીમાં પ્રવેશ કર્યો હતો.
ભારત માટે ઓમાન કેમ મહત્વનું છે
ઓમાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે સ્થિત છે, જે તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ માટે સૌથી મહત્વપૂર્ણ શિપિંગ લેન છે. જ્યારે પણ ઈરાન સાથે તણાવ વધે છે ત્યારે આ સ્ટ્રેટ એક સેન્ટ્રલ પોઈન્ટ બની જાય છે. ભારત અને ઓમાન વચ્ચેના સંબંધો ઘણા જૂના છે. ઓમાન પશ્ચિમ એશિયામાં ભારતનું સૌથી જૂનું વ્યૂહાત્મક ભાગીદાર છે. 5 હજાર વર્ષ પહેલા ગુજરાતના વેપારીઓ દરિયાઈ માર્ગે ઓમાન આવતા હતા. ઓમાન સાથે ભારતના સંબંધો ગુલામી દરમિયાન પણ ચાલુ રહ્યા. ઓમાનમાં 34 હજાર ભારતીયો રહે છે, જેઓ દર વર્ષે ભારતને મોટી માત્રામાં વિદેશી હૂંડિયામણ મોકલે છે.
ભારત માટે ઓમાનમાં ચીનની હાજરી કેવી છે?
ઓમાને હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારતને ખૂબ સહકાર આપ્યો છે. તદુપરાંત, ભારત અને ઓમાન વચ્ચે વધી રહેલા આર્થિક સંબંધોએ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારત ઓમાનમાં સૌથી મોટા રોકાણકારોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે, જેમાં કુલ રોકાણ US$7.5 બિલિયનથી વધુ છે. દ્વિપક્ષીય વેપારમાં પણ વધારો થયો છે. વર્ષ 2022-2023માં બંને દેશો વચ્ચેનો વેપાર 12 અબજ ડોલરને પાર કરી જશે. આવી સ્થિતિમાં જો ઓમાનમાં ચીનનો સૈન્ય મથક ખુલશે તો તેનાથી ભારતને પણ મોટું નુકસાન થશે. ભારતની એકદમ નજીકનું મથક હોવાથી તેનાથી ભારતીય નૌસેનાની મૂવમેન્ટ પણ જોખમાઈ શકે છે.


