- ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન
- ખેલાડીઓનું એરપોર્ટ પર કરાયું સ્વાગત
- 19 નવેમ્બરે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમશે
19 નવેમ્બરે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ મેચ માટે ભારતીય ટીમ આજે અમદાવાદ પહોંચી છે. જેથી સમગ્ર ટીમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર આવ્યા બાદ ટીમને itc નર્મદા હોટેલમાં લઈ જવામાં આવી છે.
ભારતીય ટીમનું અમદાવાદમાં આગમન
અમદાવાદમાં વર્લ્ડકપ ફાઈનલ રમાવાની છે. ત્યારે વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપની સેમિફાઈનલ જીત્યા બાદ આજરોજ ભારતીય ટીમ અમદાવાદ આવી પહોંચી છે. અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ ટીમ ઇન્ડિયાનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, ત્યાંથી ભારતીય ખેલાડીઓ રાત્રી રોકાણ કરવા માટે ITC નર્મદા હોટલ રવાના થયા હતા. મહત્વપૂર્ણ છે કે અમદાવાદમાં આ મેચને લઇને ક્રિકેટરસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ખેલાડીઓની એક ઝલક જોવા માટે હોટલ બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારતના ખેલાડીઓને આવકારવા સ્ટેડિયમ અને વર્લ્ડકપની રંગોળી તૈયાર કરવામાં આવી છે. હોટેલની બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ તંત્ર સતત એલર્ટ મોડમાં છે. જેસીપી નીરજ બડગુજરે આજે સ્ટેડિયમની મુલાકાત લઇને બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતુ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
વર્લ્ડકપ મેચની ક્લોઝિંગ સેરેમની
વર્લ્ડકપ મેચની ક્લોઝિંગ સેરેમનીમાં અલગ અલગ કોલેજના યુવાનો પર્ફોર્મ કરવાના છે. હજુ મેચને 3 દિવસની વાર છે છતાં સ્ટેડિયમની બહાર ટીમ ઇન્ડિયાના થીમ બેસ્ડ ટી-શર્ટ લેવા માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ચાહકોમાં ખાસ રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામ વાળી ટીશર્ટની માંગ વધારે જોવા મળી રહી છે.
ભારત સામે ફાઇનલમાં કોણ ટકરાશે?
ભારત ન્યૂઝીલેન્ડને પ્રથમ સેમિ ફાઇનલમાં હરાવીને ફાઇનલમાં પહોચ્યું છે. હવે બીજી સેમિ ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ રહી છે. આ બન્નેમાંથી જીતનારી ટીમ ફાઇનલમાં ભારત સામે ટકરાશે.


