- આજે અમદાવાદમાં ICC એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક
- PCBના અધ્યક્ષ ઝકા અશરફ બેઠકમાં ભાગ લેશે
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની અંગે ચર્ચા થશે
વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાશે. આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં અનેક દિગ્ગજો હાજર રહેશે. પીસીબી અધ્યક્ષ ઝકા અશરફ પણ આ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં નિહાળશે.
ICC એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં ભાગ લેશે
PCB ચીફ ઝકા અશરફ આ મેચ પહેલા શનિવારે અમદાવાદમાં યોજાનારી ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ) એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં ભાગ લેવા ભારત પહોંચ્યા છે. ઝકા અશરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસર સલમાન નાસિર સાથે અમદાવાદ આવવા માટે રવાના થયા હતા. ઝકા અશરફ રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ મેચ પણ જોશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની અંગે ચર્ચા થશે
ICC એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં વર્લ્ડકપના આયોજન, સ્પર્ધામાંથી આવકની વસૂલાત અને દર્શકોની હાજરીની સમીક્ષા કરવામાં આવશે. 50 ઓવરની ક્રિકેટના ભવિષ્ય અને 2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની અંગે પણ ICC એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
ભારત અને પાકિસ્તાનની મેચ જોવા અમદાવાદ આવ્યા હતા
અગાઉ 14 ઓક્ટોબરે ઝાકા ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ જોવા માટે અમદાવાદ આવ્યા હતા. ભારતે આ મેચ સાત વિકેટે જીતી લીધી હતી. પાકિસ્તાન વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યું હતું, જેના પછી બુધવારે બાબર આઝમે કેપ્ટનશિપ છોડી દીધી હતી.


