- ઈઝરાયેલ દક્ષિણ ગાઝા પર આક્રમણ કરવા તૈયારઃ હમાસને વીણી વીણીને સાફ કરાશે
- હોસ્પિટલમાં ઓક્સિજન, ઈંધણ, અને પાયાની સુવિધાઓ ખતમ થઈ ગઈ
- ત્રણ નવજાત શિશુ સહિત 24 અન્ય દરદીઓનાં મૃત્યુ
ઈઝરાયેલી સેના ગાઝા પટ્ટીમાં હમાસનાં થાણાંઓ પર સતત હુમલા કરી રહી છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂનું કહેવું છે કે હમાસના અસ્તિત્વવાળા એક પણ સ્થાનને છોડવામાં નહીં આવે. બીજી તરફ, પેલેસ્ટાઇનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલમાં ઓક્સિજન, ઈંધણ, અને પાયાની સુવિધાઓ ખતમ થઈ ગયા છે. પરિણામે ત્રણ નવજાત શિશુ સહિત 24 અન્ય દરદીઓનાં મૃત્યુ થયાં છે. દરમિયાનમાં, ઈઝરાયેલના સુરક્ષા દળોએ શનિવારે સવારે એક નવો વીડિયો પ્રસિદ્ધ કર્યો છે, જેમાં ગાઝામાં નાના બાળકો માટે બનેલી સ્કૂલો એટલે કે કિંડરગાર્ટન્સમાં રોકેટ લોન્ચર્સ અને માર્ટાર શેલ્સ હતાં. ઈઝરાયેલી અધિકારીઓએ જણાવ્યું કે તેમણે ગાઝા પટ્ટી નજીકના સેડરોટ અને અન્ય વિસ્તારમાં રહેતાં નાગરિકોની સુરક્ષા માટે હથિયારોનું વિતરણ કર્યું છે. સુરક્ષા મંત્રાલયનું કહેવું છે કે હવે ટૂંક સમયમાં તે વધારાના હથિયાર અને વ્યક્તિગત સુરક્ષા માટેના ઉપકરણોનું વિતરણ કરશે.
કિંડરગાર્ટનનો વીડિયો જાહેર કર્યો
ઈઝરાયેલી દળોએ શનિવારે સવારે એક વીડિયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું કે ગાઝામાં આઈડીએફ સૈનિકોને એક કિંડરગાર્ટન અને એક પ્રાથમિક સ્કૂલમાંથી આરપીજી, મોર્ટારના શેલ અને અન્ય હથિયારો મળ્યાં છે. સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે કિંડરગાર્ટને રમકડાં સ્ટોર કરવા જોઈએ, નહીં કે ઘાતક હથિયાર. વીડિયોમાં એક ઇમારતના સાંકડા ખૂણામાંથી એકબીજા પર મોર્ટારના શેલ ફેંકતા દેખાય છે.
હોસ્પિટલ યુદ્ધનું કેન્દ્ર બની
હમાસ સામેના ઈઝરાયેલના યુદ્ધમાં હવે ગાઝામાં આવેલી હોસ્પિટલ યુદ્ધનું કેન્દ્ર બની ગઈ છે. આ હોસ્પિટલમાં સંખ્યાબંધ દરદીઓ અને હજારો લોકોએ શરણ લીધું છે. ઈઝરાયેલે હમાસ પર નાગરિકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનો અને સ્કૂલો-હોસ્પિટલોનો પોતાના થાણાં તરીકે ઉપયોગ કરવાનો આરોપ કર્યો છે.
દક્ષિણ ગાઝા પર હુમલાના સંકેત
ઈઝરાયેલી સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું કે અમે ઓપરેશનને આગળ વધારવા પ્રતિબદ્ધ છીએ. જ્યાં જ્યાં હમાસની હાજરી છે, ત્યાં ત્યાં અમે કાર્યવાહી કરીશું. પછી તે ભલે ને દક્ષિણી ગાઝા પટ્ટી જ કેમ ન હોય.


