- જયપુરથી બેંગ્લૂરુ જતી ફ્લાઇટમાં છેડતીની ઘટના
- પીધેલી હાલતમાં શખ્સે એરહોસ્ટેસ સાથે કર્યો દુર્વ્યવહાર
- ફ્લાઇટ લેન્ડ થતા શખ્સને પોલીસના હવાલે કરાયો
જયપુરથી બેંગલુરુ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક નશામાં ધૂત પેસેન્જરે એર હોસ્ટેસ સાથે ગેરવર્તણૂંક કરી હોવાનું સામે આવ્યું છે. જો કે સુરક્ષા એજન્સીઓએ ફ્લાઇટ બેંગ્લુરુ એરપોર્ટ પર ઉતરી પછી તે શખ્સને પોલીસ અધિકારીના હવાલે સોંપવામાં આવ્યો છે. જયપુરથી બેંગલુરુ જતી ફ્લાઈટ 6E 556માં આ ઘટના બની હતી.
આરોપીની કરાઇ અટકાયત
આ અંગે ઈન્ડિગો એરલાઈન્સના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પ્લેન લેન્ડ થયા બાદ પેસેન્જરને આગળની કાર્યવાહી માટે એરપોર્ટ પર સ્થાનિક પોલીસ અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. સાથે જ કહ્યું કે અન્ય મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દુઃખ છે. આ કેસના આરોપી 33 વર્ષીય રણધીર સિંહને ચેતવણી આપવામાં આવી હોવા છતાં એર હોસ્ટેસને વારંવાર સ્પર્શ કર્યા બાદ તેની અટકાયત કરવામાં આવી હતી.
અગાઉ પણ બની હતી છેડતીની ઘટના
આવી ઘટના ફ્લાઇટમાં અવારનવાર સામે આવે છે. બે દિવસ પહેલા પણ ઈન્ડિગોની ફ્લાઈટમાં મહિલાની છેડતીનો મામલો સામે આવ્યો હતો. ઉદયપુરથી ઈન્દોર આવી રહેલી ફ્લાઈટમાં મહિલા સાથે બેઠેલા એક વ્યક્તિએ અશ્લીલ હરકતો કરી હતી. આ પછી મહિલાએ પોલીસમાં ફરિયાદ પણ કરી હતી તેમજ જે બાદ પોલીસે એરપોર્ટ ઓથોરિટીની પણ પૂછપરછ કરી હતી.


