- ઓસ્ટ્રેલિયાને હરાવી સીરીઝ પોતાના નામે કરી
- ભારતે 213 T20Iમાંથી 136 જીતી
- T20 જીતવામાં ત્રીજા નંબરે ન્યુઝિલેન્ડ
રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનો વિજય થયો છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવીને T-20 શ્રેણી જીતી લીધી છે. ભારતીય ટીમ હવે શ્રેણીમાં 3-1થી આગળ થઈ ગઈ છે. આ બંને ટીમો વચ્ચે શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 3 ડિસેમ્બર, રવિવારે રમાશે.
ભારતે મેચ જીતી
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 174 રન બનાવવામાં સફળ રહી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 154 રન જ બનાવી શકી હતી. આવી સ્થિતિમાં ભારતીય ટીમે 20 રને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
પાકિસ્તાનને પાછળ છોડ્યું
T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમાયેલી 213 મેચોમાંથી તેણે સૌથી વધુ 136 મેચ જીતી છે. પાકિસ્તાને 226માંથી 135 મેચ જીતી હતી. ભારતીય ટીમે હવે પાકિસ્તાનનો તે રેકોર્ડ તોડી નાખ્યો છે. આ મેચ પહેલા ભારત અને પાકિસ્તાનની ટીમો 135-135ની જીત સાથે બરાબરી પર હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય ટીમ પાકિસ્તાનને પછાડીને નંબર વન પર પહોંચી ગઈ છે.
જાણો અન્ય ટીમોની હાલત
T-20 ફોર્મેટમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ હવે ભારતીય ટીમ બની ગઈ છે. T-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત અત્યાર સુધી 213 મેચ રમ્યું છે જેમાંથી ભારતીય ટીમ 136 મેચ જીતી છે. ભારત બાદ પાકિસ્તાનની ટીમે સૌથી વધુ 135 મેચ જીતી છે. જ્યારે ન્યુઝીલેન્ડના નામે 102 મેચ જીતવાનો રેકોર્ડ છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે 95 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાએ 94 T20 જીત્યા છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 92 મેચ જીતવામાં સફળ રહી છે. શ્રીલંકાની વાત કરીએ તો શ્રીલંકાની ટીમે અત્યાર સુધીમાં 79 મેચ જીતી છે. વેસ્ટ ઈન્ડિઝે 76 અને અફઘાનિસ્તાને 74 મેચ જીતી છે.


