- ટુકડે ટુકડે પ્રલય આવી રહ્યો છે
- 2024 પણ તેટલું જ ખરાબ રહેશે
- છેલ્લા બે મહિના રેન્કિંગને અસર કરે તેવી શક્યતા ઓછી
2023ના વર્ષમાં ક્લાઇમેટના બધા રેકોર્ડ તૂટવા સાથે આત્યંતિક હવામાને ભારે વિનાશ સર્જ્યો હોવાનું વિશ્વ હવામાન સંસ્થા (WMO)ના એક અહેવાલમાં જણાવાયું છે. એન્યુઅલ ક્લાઇમેટ સમિટ COP28ના પ્રથમ દિવસે રજૂ કરાયેલા WMO પ્રોવિઝનલ સ્ટેટ ઓફ્ ધ ગ્લોબલ ક્લાઇમેટ રિપોર્ટમાં જણાવાયું છે કે ઓક્ટોબરના અંત સુધીનો ડેટા દર્શાવે છે કે 2023ના વર્ષ દરમિયાન પૃથ્વીનું તાપમાન પૂર્વ-ઔદ્યોગિક કાળ (1850-1900)ની બેઝલાઇન કરતાં 1.40 ડિગ્રી સે. વધુ હતું. અગાઉ સૌથી ગરમ વર્ષ રહેલા 2016 અને 2020 સામે 2023નો તફવત એવો છે કે છેલ્લા બે મહિના રેન્કિંગને અસર કરે તેવી શક્યતા ઓછી છે.
ભારત સંબંધિત આંકડાઓને પરિપ્રેક્ષ્યમાં મૂકતા ભારતીય હવામાન વિભાગના હવામાન વિજ્ઞાનના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાં દક્ષિણના ભાગોની સરખામણીમાં પારામાં ઝડપી ઉછાળો નોંધાયો છે. દરિયાની સપાટીનું તાપમાન વધે છે તેમ દરિયાનું પાણી વિસ્તરે છે, જેના કારણે દરિયાની સપાટી વધે છે. આ ઉપરાંત દરિયાના ઉષ્ણતામાન સાથે ગ્લેશિયર્સ ઝડપથી પીગળી રહ્યા છે, જે દરિયાના પાણીના વિસ્તરણની તુલનામાં દરિયાની સપાટીના વધારામાં વધુ ફળો આપી રહ્યા છે. આનાથી ભારત સહિત વિશ્વના તમામ દરિયાકાંઠાના સ્થળો માટે સંભવિત ખતરો છે.
રિપોર્ટમાં એમ પણ નોંધ્યું હતું કે 2015થી 2023 સુધીના પાછલા 9 વર્ષ અત્યાર સુધીમાં સૌથી ગરમ રહ્યા છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ્ રીડિંગના નેશનલ સેન્ટર ફેર એટમોસ્ફેરિક સાયન્સ એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ્ મીટિરોલોજીના રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. અક્ષય દેવરાસે જણાવ્યું હતું કે ભારત માટે હિમનદી પીગળવી એ બરફ્ના આવરણ તેમજ ગ્લેશિયર્સની મજબૂતાઇને અસર કરતી મોટી ચિંતા છે. મને ડર છે કે હિમનદી સતત પીગળવાથી નજીકના ભવિષ્યમાં સિક્કિમના આ વર્ષના તથા પાકિસ્તાનના ગત વર્ષના પૂર જેવી વધુ કુદરતી હોનારતો સર્જાઇ શકે છે.


