- ભારતે ઓસ્ટ્રેલિયાને સિરીઝમાં 4-1થી હરાવ્યું
- સિરીઝમાં રિંકુ સિંહે શાનદાર ફિનિશરની ભૂનુકા ભજવી
- આ સિરીઝમાં સૂર્યકુમાર યાદવના રૂપમાં મળ્યો નવો કેપ્ટન
ODI વર્લ્ડકપની સમાપ્તિ પછી તરત જ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાઈ હતી. આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા ટી-20 વર્લ્ડકપ માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ હતી અને આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને કેટલાક સકારાત્મક સંકેતો મળ્યા છે, જેના કારણે ટીમ ઈન્ડિયા આવતા વર્ષે વર્લ્ડકપમાં ચોક્કસપણે ચેમ્પિયન બની શકે છે.
યશસ્વી અને રુતુરાજની યુવા જોડી
ટીમ ઈન્ડિયાએ આ સિરીઝમાં નવી ઓપનિંગ જોડી રજૂ કરી છે. આ જોડીમાં એક તરફ યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ છે, જે રાજસ્થાન રોયલ્સ માટે IPL રમે છે, તો બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઓપનિંગ કરનાર રુતુરાજ ગાયકવાડ છે. જ્યારે યશસ્વી પ્રથમ બોલથી આક્રમક વલણ અપનાવાનો પ્રયાસ કરે છે, ગાયકવાડ શરૂઆતમાં થોડી ધીરજ બતાવે છે, પરંતુ પછીથી ખૂબ જ આક્રમક રીતે રમવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને આ ઓપનિંગ જોડીમાં આક્રમકતાની સાથે ધીરજ પણ મળે છે, જે ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ફાયદાકારક છે. જોકે, જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામેની દરેક મેચમાં ઝડપી શરૂઆત કરી હતી, પરંતુ દરેક વખતે પાવરપ્લેમાં તેની વિકેટ ગુમાવી હતી, જે ચિંતાનો વિષય છે. જો જયસ્વાલ પોતાની ઇનિંગ્સને લંબાવતા શીખી લે તો આ ખરેખર T20 વર્લ્ડકપની ઓપનિંગ જોડી બની શકે છે.
સૂર્યકુમાર યાદવના રૂપમાં મળ્યો નવો કેપ્ટન
અત્યાર સુધી, ક્રિકેટ ચાહકો સૂર્યકુમાર યાદવને એક મજબૂત અને આક્રમક T20 બેટ્સમેન તરીકે જાણતા હતા, જે મેદાનના કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ બોલને ફટકારી શકે છે, પરંતુ ઓસ્ટ્રેલિયાની T20 સિરીઝમાં તેણે પોતાની એક નવી પ્રતિભા બતાવી છે. આ શ્રેણીમાં પસંદગીકારોએ તેને કેપ્ટનશીપની જવાબદારી સોંપી હતી, જે તેણે સારી રીતે નિભાવી હતી. સૂર્યાએ ઘણી વખત દબાણમાં ધીરજ રાખીને અને હિંમત બતાવીને ટીમની કેપ્ટનશિપ કરી, જેનો ફાયદો ટીમને થયો હતો. આ શ્રેણીમાં સૂર્યા ઘણી વખત ટોસ હારી ગયો, જેના કારણે તેને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ તેણે તે મેચોમાં પણ રન બનાવ્યા અને પછી તેનો બચાવ કરીને મેચ જીતી લીધી. આ જ કારણ છે કે પસંદગીકારોએ સૂર્યાને સાઉથ આફ્રિકા સામેની T20 શ્રેણીની કેપ્ટનશીપ આપી છે, જ્યાં કદાચ તેની ખરી કસોટી થશે.
રિંકુ સિંહમાં ભરોસાપાત્ર ફિનિશર મળ્યો
જો ટીમને પ્રથમ દાવમાં સારી ફિનિશની જરૂર હોય, અથવા ટાર્ગેટ ચેઝ કરતી વખતે ઓછા બોલમાં વધુ રનની જરૂર હોય, તો ટીમ હવે રિંકુ સિંહ પર વિશ્વાસ કરી શકે છે. IPLથી લઈને ઈન્ટરનેશનલ મેચો સુધી તેણે ઘણી વખત ટીમ માટે સારું પ્રદર્શન કરીને લોકો અને પસંદગીકારોનો વિશ્વાસ જીત્યો છે. ઓસ્ટ્રેલિયા સામે પણ રિંકુ સિંહે ટાર્ગેટનો પીછો કરતી વખતે શાનદાર ફિનિશિંગ કરીને ટીમને જીત અપાવી હતી અને પ્રથમ બેટિંગ કરતી વખતે પણ તેણે ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને આ શ્રેણીમાંથી રિંકુ સિંહના રૂપમાં એક મોટો સકારાત્મક મળ્યો છે, જે T20 વર્લ્ડ કપમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
રવિ બિશ્નોઈના રૂપમાં મેચ વિનર મળ્યો
ટીમ ઈન્ડિયાને રવિ બિશ્નોઈના રૂપમાં એક મહાન ખેલાડી મળ્યો છે. બિશ્નોઈએ છેલ્લા ઘણા સમયથી IPLમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, પરંતુ જ્યારે પણ તેને આંતરરાષ્ટ્રીય મેચોમાં તક મળી છે ત્યારે તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ઑસ્ટ્રેલિયા સિરીઝ દરમિયાન, તેણે માત્ર 9 વિકેટ લઈને પ્લેયર ઑફ ધ સિરીઝ જ જીતી ન હતી, પરંતુ ટીમને એક ભરોસાપાત્ર સ્પિનરનો વિકલ્પ પણ આપ્યો હતો, જે મેચના નિર્ણાયક સમયે વિકેટ લઈને મેચને કેવી રીતે ફેરવવી તે જાણે છે. બિશ્નોઈ એક શાનદાર સ્પિનર હોવાની સાથે સાથે એક ઉત્તમ ફિલ્ડર પણ છે. તેણે તેના શાનદાર કેચ વડે ઘણી વખત મેચનો પલટી હતી. તેથી, બિશ્નોઈ T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયા માટે ચોક્કસપણે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.
મુકેશ કુમાર પ્રભાવિત થયા
બિહારથી આવેલા મુકેશ કુમારે ટીમ ઈન્ડિયા માટે શાનદાર બોલિંગ કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તક મળી રહી છે, પરંતુ તે નવા અને જૂના બંને બોલથી સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન શ્રેણીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. છેલ્લી T20 મેચ દરમિયાન પણ 17મી ઓવરમાં મુકેશ કુમારે 2 બોલમાં સતત 2 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની જીત છીનવી લીધી હતી. પસંદગીકારો મુકેશ કુમારના પ્રદર્શનથી એટલા ખુશ છે કે તેમને સાઉથ આફ્રિકા સામે ત્રણેય ફોર્મેટની ટીમમાં તક આપી છે.


