- પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓમાં ટેલેન્ટની નથી કમી
- પાકિસ્તાની ખેલાડીઓ અન્ય કારણોથી અત્યારે ચર્ચામાં છે
- શાદાબ ખાન ઈજાગ્રસ્ત થવા છતાં ન મળ્યું સ્ટ્રેચર
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓમાં ટેલેન્ટની કોઈ કમી નથી, પરંતુ આજકાલ તે તેમના સારા પ્રદર્શનને કારણે નહીં પરંતુ અન્ય ઘણા કારણોસર દુનિયામાં ચર્ચામાં છે. પાકિસ્તાન ક્રિકેટ ટેસ્ટ ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં ઉતર્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓને રિસીવ કરવા માટે કે તેમનો સામાન ઉપાડવા માટે પણ કોઈ નહોતું. જેથી ખેલાડીઓએ જાતે જ તેમનો સામાન ઉઠાવીને ટ્રકમાં લોડ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જે અત્યારે ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો મજાક ઉડાવવામાં આવી રહ્યો છે. હવે પાકિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર શાદાબ ખાનનો એક વીડિયો મજાકનું કારણ બન્યો છે.
ઈજાગ્રસ્ત શાદાબ ખાનને સ્ટ્રેચર ન મળ્યું
શાદાબ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે મેદાન પર રવિવારે નેશનલ T20 કપમાં રાવલપિંડી અને સિયાલકોટ વચ્ચે મેચ રમી રહ્યો હતો. આ મેચ દરમિયાન શાદાબ ખાન ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની ઈજા એવી હતી કે તે પોતાની રીતે ચાલી શકતો નહતો, પરંતુ આમ છતાં મેદાન પર સ્ટ્રેચર આવ્યું નહતું. જેથી એક સાથી ખેલાડીએ શાદાબને ખભા પર ઊંચક્યો અને તેને પેવેલિયનમાં પાછો લઈ ગયો હતો.
પાકિસ્તાન ક્રિકેટની મજાક ઉડાવી
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ માટે પાકિસ્તાન ક્રિકેટની મજાક ઉડાવી રહ્યા છે. પાકિસ્તાનના ક્રિકેટ ફેન્સ પોતે ટ્વીટર પર આ માટે PCBની ટીકા કરી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટના એક ફેને લખ્યું કે, શું આપણે 1980માં છીએ? શાદાબ ખાનને કેવી રીતે મેદાનમાંથી બહાર કાઢવામાં આવ્યો? શું PCB પાસે કોઈ સ્ટ્રેચર નથી? સોશિયલ મીડિયા પર લોકો આવી જ કોમેન્ટ કરી રહ્યા છે.


