શ્રાવણના આરંભે સૌરાષ્ટ્ર શિવમય : ચોમેર ગુંજ્યો હર હર મહાદેવનો નાદ
સોમનાથથી નાગેશ્વર સુધી ભક્તોની ભારે ભીડ : શિવાલયોમાં અભિષેક, પૂજન-અર્ચન, મહામૃત્યુંજય જાપ અને મહાઆરતીના કાર્યક્રમોનો પ્રારંભ
રાજકોટના શિવમંદિરો રોશની અને કલાત્મક શણગારથી ઝળહળ્યાં, સવારથી અભિષેક માટે ભક્તોની લાઈનો લાગી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી ભગવાન શિવજીને અતિપ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. શ્રાવણના પ્રથમ દિવસે જ વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. હર હર મહાદેવ, બમ બમ ભોલેના જયઘોષથી રાજકોટ, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, ખંભાળિયા સહિતના શહેરો અને ગામોના શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. ભક્તોએ શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વપત્ર અને વિવિધ દ્રવ્યોનો અભિષેક કરી પૂજન-અર્ચન કર્યું હતું. અનેક સ્થળોએ મહામૃત્યુંજય જાપ, શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ, મહાઆરતી સહિતના ધાર્મિક અનુષ્ઠાનોનો પ્રારંભ થયો છે.
શ્રાવણ માસને ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. આ માસ દરમિયાન ભક્તો એકટાણું, ઉપવાસ, સોમવારના વ્રત તથા વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો કરીને ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન બને છે. અનેક શિવાલયોમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિશેષ પૂજા, શૃંગાર અને આરતીના કાર્યક્રમો યોજાશે. મંદિરોને ફૂલોના તોરણો, કલાત્મક સુશોભન અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે.
રાજકોટમાં ગ્રામ્ય દેવતા તરીકે પ્રસિદ્ધ શ્રી રામનાથ મહાદેવ ઉપરાંત પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, ધારેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં સવારથી જ ભાવિકોની અવરજવર જોવા મળી હતી. વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતાં જ દર્શન માટે ભક્તોની કતારો લાગી હતી. શ્રાવણના પ્રથમ દિવસથી જ ભક્તોએ શિવલિંગ પર અભિષેક કરી ‘ૐ નમઃ શિવાય’ના જાપ સાથે મહાદેવની આરાધના કરી હતી.
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથમાં તો શ્રાવણના આગમન સાથે ભક્તિનો અદભુત માહોલ સર્જાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘શ્રી સોમનાથ શ્રાવણ મહોત્સવ 2026’નો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ભક્તોના કલ્યાણ અને વિશ્વશાંતિની પ્રાર્થના સાથે 30 દિવસ ચાલનારા 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે. મહામૃત્યુંજય મંત્રના નાદથી સોમનાથ પરિસર શિવમય બની ગયું છે.
શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં મેઘરાજાએ પણ અમીછાંટણા કરતાં ભક્તોમાં આનંદ છવાયો હતો. ઝરમર વરસાદ વચ્ચે ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. વરસાદને કારણે સોમનાથ મંદિર પણ સ્વચ્છ જળથી જાણે કુદરતી અભિષેક પામ્યું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે સમગ્ર માર્ગ પર પેગોડા ટેન્ટ, પૂજા વિધિના કાઉન્ટરો, જૂતા ઘર, પ્રવેશ કેબિન તથા ભીડ નિયંત્રણની વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રાવણ દરમિયાન સોમનાથમાં ભક્તોની સંખ્યા વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને પણ આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગીર-સોમનાથ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ બે ડીવાયએસપી, 16 પીઆઈ સહિત 450 પોલીસ જવાનોની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત કુલ એક હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓ ફરજ બજાવશે. 25 પીએસઆઈ, હોમગાર્ડ, એસઆરડી, ટીઆરબી, એલસીબી, એસઓજી, ડ્રોન ટીમ, ક્યુઆર ટીમ, ડોગ સ્ક્વોડ, માઉન્ટેડ પોલીસ, હેન્ડ મેટલ ડિટેક્ટર અને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ધામમાં પણ શ્રાવણના પ્રારંભ સાથે વહેલી સવારથી જ ભક્તિનો માહોલ છવાયો હતો. મંદિર પરિસરમાં ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષ ગુંજતા રહ્યા હતા. દ્વાદશ જ્યોતિર્લિંગમાં આઠમા જ્યોતિર્લિંગ તરીકે નાગેશ્વર મહાદેવનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી દેશના વિવિધ વિસ્તારોમાંથી ભાવિકો અહીં દર્શન માટે પહોંચ્યા હતા.
નાગેશ્વર ધામમાં ભક્તોએ જ્યોતિર્લિંગના દર્શન સાથે અભિષેક અને પૂજન કર્યું હતું. મંદિર પરિસરમાં આવેલી આશરે 85 ફૂટ ઊંચી વિરાટ શિવમૂર્તિ પણ ભક્તો માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર બની છે. શ્રાવણ દરમિયાન નાગેશ્વર ઉપરાંત ગોપી તળાવ, ગોપીનાથજી મંદિર, વલ્લભાચાર્યજીની બેઠક અને રાધા-કૃષ્ણ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ પણ યાત્રિકોની અવરજવર વધી છે.
ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે બજરંગદાસ બાપાના ધામ ગુરૂઆશ્રમમાં પણ શ્રાવણ માસ નિમિત્તે અખંડ સંગીતમય રામધૂનનો પ્રારંભ થયો છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દિવસ-રાત અખંડ રામધૂન ચાલુ રહેશે. બગદાણા ગામ સહિત વિવિધ મંડળો ક્રમશઃ રામધૂનમાં જોડાઈ રહ્યા છે અને દર્શનાર્થી યાત્રિકો પણ આ પવિત્ર ધાર્મિક આયોજનનો લાભ લઈ રહ્યા છે.
બીજી તરફ શ્રાવણ માસના આગમન પૂર્વે દ્વારકાના જગતમંદિરમાં હરિયાળી અમાસની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીને લીલી હરિયાળીથી સજાવવામાં આવ્યા હતા. મોટી અમાસ નિમિત્તે દૂરદૂરથી આવેલા ભાવિકોએ વહેલી સવારે ગોમતી નદીમાં સ્નાન કરી ત્યારબાદ છપ્પન સીડી સ્વર્ગ દ્વારેથી જગતમંદિરમાં પ્રવેશ કરીને શ્રીજીના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. મંદિરમાં કુંડલા ભોગ મનોરથ પણ યોજાયો હતો, જેના દર્શનનો દેશ-વિદેશના કૃષ્ણભક્તોએ ઓનલાઈન માધ્યમથી લાભ લીધો હતો.
આમ, શ્રાવણના પ્રથમ દિવસથી જ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ધાર્મિક આસ્થાનો માહોલ છવાઈ ગયો છે. સોમનાથના દરિયાકાંઠેથી નાગેશ્વર જ્યોતિર્લિંગ સુધી અને રાજકોટના શિવાલયોથી ગામડાંના નાના-મોટા મંદિરો સુધી ચોમેર શિવભક્તિની ગંગા વહેતી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં શ્રાવણના સોમવાર સહિતના પવિત્ર દિવસોએ મંદિરોમાં ભક્તોની સંખ્યામાં વધુ વધારો થવાની સંભાવના છે.
સોમનાથમાં 30 દિવસ 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞ
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘શ્રી સોમનાથ શ્રાવણ મહોત્સવ 2026’નો પ્રારંભ થયો છે. શ્રાવણ માસ દરમિયાન ભક્તોના કલ્યાણ અને વિશ્વશાંતિની પ્રાર્થના સાથે મંદિર પરિસરમાં 30 દિવસ સુધી ચાલનારા 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞનો પ્રારંભ થયો હતો. દેશ-વિદેશથી આવતા ભક્તો પણ યજ્ઞમાં આહુતિ આપી શકે તે માટે દૈનિક નવ સ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે આહુતિ અર્પણ કરી શકશે. શ્રાવણના પ્રથમ દિવસે વહેલી સવારે મેઘરાજાની અમીછાંટણા વચ્ચે સોમનાથમાં ભક્તિનો માહોલ વધુ ભાવવિભોર બન્યો હતો. વરસાદ વચ્ચે પણ ભક્તોએ હર હર મહાદેવના જયઘોષ સાથે દર્શન કર્યા હતા.
સોમનાથમાં શ્રાવણને પગલે લોખંડી સુરક્ષા કવચ
સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન ઉમટનારી સંભવિત માનવમેદનીને ધ્યાનમાં રાખીને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગીર-સોમનાથ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ બે ડીવાયએસપી, 16 પીઆઈ સહિત 450 પોલીસ જવાનોની ફાળવણી કરવામાં આવી છે. કુલ એક હજારથી વધુ સુરક્ષા કર્મચારીઓ વિવિધ સ્થળોએ ખડે પગે ફરજ બજાવશે. 25 પીએસઆઈ ઉપરાંત હોમગાર્ડ, એસઆરડી, ટીઆરબી, એલસીબી, એસઓજી, ડ્રોન ટીમ, ક્યુઆર ટીમ, ડોગ સ્ક્વોડ અને માઉન્ટેડ પોલીસને પણ બંદોબસ્તમાં સામેલ કરવામાં આવ્યા છે. હેન્ડ મેટલ ડિટેક્ટર અને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે. ત્રિવેણી, ગોલોકધામથી વેણેશ્વર-ગૌશાળા રોડ તથા ગુડલક સર્કલ સુધીના માર્ગો પર પણ વિશેષ બંદોબસ્ત ગોઠવાયો છે.
નાગેશ્વરમાં હર હર મહાદેવના જયઘોષ સાથે શ્રાવણનો શુભારંભ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગેશ્વર જ્યોતિર્લિંગ ધામમાં શ્રાવણ માસના પ્રારંભે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. દ્વાદશ જ્યોતિર્લિંગમાં આઠમા જ્યોતિર્લિંગ તરીકે નાગેશ્વર મહાદેવનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી દેશના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા હતા. ભક્તોએ જ્યોતિર્લિંગના દર્શન સાથે અભિષેક અને પૂજનનો લાભ લીધો હતો. આશરે 85 ફૂટ ઊંચી વિરાટ શિવમૂર્તિ પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. શ્રાવણ દરમિયાન નાગેશ્વર ઉપરાંત ગોપી તળાવ, ગોપીનાથજી મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોએ પણ યાત્રિકોની અવરજવર વધવાની શરૂઆત થઈ છે.
દ્વારકામાં હરિયાળી અમાસે ઠાકોરજીનો લીલો શણગાર
શ્રાવણ માસના આગમન પૂર્વે દ્વારકાના જગતમંદિરમાં હરિયાળી અમાસની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીને લીલા વાઘા તથા હરિયાળીથી વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. મોટી અમાસ નિમિત્તે દૂરદૂરથી આવેલા ભાવિકોએ વહેલી સવારે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ત્યારબાદ છપ્પન સીડી સ્વર્ગ દ્વારેથી જગતમંદિરમાં પ્રવેશ કરીને શ્રીજીના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. હરિયાળી અમાસના પાવન અવસરે ઠાકોરજીના કુંડલા ભોગ મનોરથનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મનોરથ આરતી અને દિવ્ય શૃંગાર દર્શનનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો, જ્યારે દેશ-વિદેશના લાખો કૃષ્ણભક્તોએ ઓનલાઈન માધ્યમથી દર્શન નિહાળ્યા હતા.


