ઉપલેટામાં ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા મામલે ચીફ ઓફિસર ગ્રાઉન્ડ પર: ૬ સદસ્યોની રજૂઆત બાદ તંત્ર એક્શનમાં
સતિમાની ડેરી વિસ્તારમાં ગંદકીથી સ્થાનિકો અને વેપારીઓ પરેશાન; ડૉ.ઉદય નસીત સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી તાકીદે નિકાલની બાહેધરી આપી
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા સમયથી કથળેલી ગટર વ્યવસ્થાને કારણે સ્થાનિક જનજીવન ભારે પ્રભાવિત થયું છે. શહેરના વિવિધ રોડ-રસ્તાઓ પર ગટરના ગંદા પાણી ઉભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને ‘સતિમાની ડેરી’ વિસ્તાર, જ્યાં દર બુધવારે મોટું બજાર ભરાય છે, ત્યાં ગટરના પાણી ચોમાસાના વરસાદની જેમ રસ્તાઓ પર વહી રહ્યા છે. ધાર્મિક તહેવારો અને ઉત્સવો ટાણે પણ લોકોને ગંદકી અને દુર્ગંધમાંથી પસાર થવું પડતાં સ્થાનિકો તેમજ વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો.
સ્થાનિક લોકોની સતત વધતી મુશ્કેલીઓને ધ્યાને રાખી ઉપલેટા નગરપાલિકાના ૬ જાગૃત સદસ્યોએ આ મામલે કડક વલણ અપનાવ્યું હતું. સદસ્યોએ નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર સાથે રૂબરૂ મુલાકાત કરી વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો. માત્ર કચેરીમાં બેસીને કાગળ પર કામ કરવાના બદલે ગ્રાઉન્ડ ઝીરો પર આવીને સ્થળ તપાસ કરવા સદસ્યોએ ભારપૂર્વક રજૂઆત કરી હતી. નગરપાલિકાના સદસ્યોની ઉગ્ર રજૂઆત બાદ તંત્ર ત્વરિત એક્શન મોડમાં આવ્યું હતું. ઉપલેટા નગરપાલિકાના મુખ્ય અધિકારી ડૉ. ઉદય નસીત, એન્જિનિયર મયુર બગડા, કીર્તિ ડાભી તથા સેનેટરી શાખાના કર્મચારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અધિકારીઓની ટીમે પ્રભાવિત વિસ્તારોમાં રૂબરૂ ફરીને ગટરની સમસ્યાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને સ્થાનિકોની ફરિયાદો સાંભળી હતી. સ્થળ નિરીક્ષણ બાદ મુખ્ય અધિકારી ડૉ. ઉદય નસીતે સમસ્યાની ગંભીરતા સમજીને આગામી દિવસોમાં ગટરની સમસ્યાનો કાયમી અને તાત્કાલિક નિકાલ લાવવાની ખાતરી આપી હતી.
આ સમગ્ર રજૂઆત અને નિરીક્ષણ વેળાએ નગરપાલિકાના સદસ્યો ચંદ્રપાલસિંહ જાડેજા, અનીશ ચણા, લખમણ ભોપાળા, જયદીપ ચંદ્રવાડીયા, ઈમરાનમીયા પીરજાદા અને ગુલામહુસેન બુખારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


