વેરાવળ જેલમાંથી કેદીને બહાર લાવવા કથિત મેડિકલ સર્ટિફિકેટનો ગંદો ખેલ
સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કર્યા બાદ ભાંડો ફૂટી જતાં કેશોદના ડો.સાંગાણી સામે કોર્ટ આકરા પાણીએ : ગુજરાત મેડિકલ કાઉન્સિલને તબીબ સામે કડક કાર્યવાહી કરવા વેરાવળ કોર્ટનો આદેશ
અગ્ર ગુજરાત, વેરાવળ
વેરાવળ જેલમાં બંધ હત્યા જેવા અત્યંત ગંભીર ગુનાના આરોપીને સારવારના બહાને વચગાળાના જામીન અપાવવા માટે મેડિકલ સર્ટિફિકેટનો ખેલ ખેલાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. કેશોદના ફિઝિશિયન-કાર્ડિયોલોજિસ્ટ ડો. રાજેશ સાંગાણી દ્વારા કેદીને તપાસ્યા વિના જ મેડિકલ સર્ટિફિકેટ ઈશ્યૂ કરી દેવાયું હોવાનું વેરાવળની એડિશનલ સેશન્સ કોર્ટના ધ્યાને આવતા કોર્ટે લાલ આંખ કરી છે. આ મામલે કોર્ટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને સંબંધિત તબીબ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે.
જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વેરાવળના ચર્ચાસ્પદ મર્ડર કેસના આરોપી ફારૂક મૌલાનાએ બીમારીના આધારે ૧૫ દિવસના વચગાળાના જામીન માંગતી અરજી કોર્ટમાં કરી હતી. આ અરજી સાથે ડો. રાજેશ સાંગાણીના ૩ જૂન અને ૧૯ જૂન ૨૦૨૬ના મેડિકલ સર્ટિફિકેટ જોડવામાં આવ્યા હતા. જોકે, કોર્ટની ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું કે ડો. સાંગાણીએ અગાઉ તા. ૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી આરોપીની સારવાર કરી હતી, પરંતુ જૂન ૨૦૨૬માં સર્ટિફિકેટ આપતી વખતે આરોપીની કોઈ શારીરિક કે તબીબી તપાસ જ કરવામાં આવી નહોતી.
બીજી તરફ, જેલના મેડિકલ રેકોર્ડ મુજબ આરોપીને તા. ૨ અને ૪ જૂને જેલના ફિઝિશિયન દ્વારા સારવાર અપાઈ હતી અને ઇસીજી પણ નોર્મલ આવ્યો હતો. જેલ તબીબે આરોપીને બહારના સ્પેશિયાલિસ્ટ પાસે રિફર કરવાની પણ કોઈ ભલામણ કરી નહોતી, છતાં બહારના ખાનગી ડોક્ટરે સીધું ટ્રીટમેન્ટ સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું.
કોર્ટે આ કૌભાંડ સામે સખત નારાજગી વ્યક્ત કરતા નોંધ્યું હતું કે, સાધનસંપન્ન અને વગદાર આરોપીઓ ગુનો કર્યા બાદ હોસ્પિટલમાં દાખલ થવાના નામે જેલની બહાર રહેવાની સુવિધાઓ મેળવી લેતા હોય છે. તબીબી અભિપ્રાયોના આધારે ન્યાયાલય વ્યક્તિની સ્વતંત્રતા અંગે નિર્ણયો લેતી હોય છે, તેથી સર્ટિફિકેટ એકદમ સાચું, સ્પષ્ટ અને તથ્ય આધારિત હોવું અનિવાર્ય છે. ગેરમાર્ગે દોરનારા સર્ટિફિકેટ આપતા તબીબો સામે કડક પગલાં નહીં લેવાય તો ન્યાયપ્રણાલીના હિતને મોટું નુકસાન પહોંચશે.
ગુજરાત મેડિકલ કાઉન્સિલને તપાસ સોંપાઈ
કોર્ટે ડો. રાજેશ સાંગાણીના આ કૃત્યને મેડિકલ પ્રોફેશનલ કન્ડક્ટના નિયમો હેઠળ ગંભીર ‘મિસકન્ડક્ટ’ (દુરાચરણ) ગણાવી ‘ગુજરાત મેડિકલ કાઉન્સિલ રૂલ્સ-૧૯૬૭’ની કલમ ૨૨ હેઠળ કાર્યવાહી કરવા હુકમ કર્યો છે. આ કેસ સંબંધિત મેડિકલ સર્ટિફિકેટ, ડોક્ટરનો ખુલાસો તેમજ જેલ મેડિકલ ઓફિસરનો રિપોર્ટ કાઉન્સિલને મોકલી આપીને તાકીદે કાર્યવાહીનો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.


