રાજકોટ સેન્ટ્રલ જેલમાં ‘નશા મુક્ત યુવા અભિયાન’ અંતર્ગત વ્યસનમુક્તિ સેમિનાર યોજાયો
MY Bharat, સૂફી ઇસ્લામિક બોર્ડ અને જેલ પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે વિશેષ આયોજન: ૫૦૦ કેદીઓએ નશા મુક્ત ભારતની પ્રતિજ્ઞા લીધી
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત MY Bharat (મેરા યુવા ભારત) અને સૂફી ઇસ્લામિક બોર્ડના સંયુક્ત સહયોગથી તેમજ રાજકોટ સેન્ટ્રલ જેલ પ્રશાસનના સંકલનથી સેન્ટ્રલ જેલ ખાતે “વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા અભિયાન” અંતર્ગત એક વિશેષ વ્યસનમુક્તિ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નાર્કોટિક્સ અને ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં સામેલ હોય તેવા આશરે ૫૦૦ જેટલા કેદીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપીને નશામુક્ત જીવનશૈલી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના પૂર્વ સભ્ય જજ, સૂફી ઇસ્લામિક બોર્ડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અનવર હુસૈન શેખ દ્વારા સ્વાગત પ્રવચન રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે સેમિનારનો મુખ્ય હેતુ સ્પષ્ટ કરતાં કેદીઓને નશાના દૂષણમાંથી મુક્ત થઈ વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા હાકલ કરી હતી.
સેમિનારમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવોએ કેદીઓને પ્રેરણાદાયી અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડ્યું હતું . જેમાં હિરેન કોટક (રક્ષા વિશેષજ્ઞ)એ નશાકારક પદાર્થોના સેવનથી સમાજ, પરિવાર અને રાષ્ટ્રને થતાં ગંભીર નુકસાન વિશે વિગતવાર સમજ આપી હતી. વિરભદ્રસિંહ ગોહિલએ (ઇન્ચાર્જ જેલ સુપરિન્ટેન્ડન્ટ – DYSP) કેદીઓને નશાના દૂષણમાંથી મુક્ત થઈ પોતાના જીવનનું પુનઃનિર્માણ કરવા અને સમાજમાં સન્માનપૂર્વક પુનઃસ્થાપિત થવા પ્રેરણા આપી હતી. પ.પૂ. જ્યોતિર્નાથજી મહારાજએ (આદેશ આશ્રમ, ખિરસરા, લોધીકા) નશાકારક પદાર્થોના સેવનથી થતી સામાજિક, શારીરિક અને આર્થિક બરબાદી વિશે પ્રકાશ પાડ્યો હતો. કમલેશ જોષીપૂરા (પૂર્વ વાઇસ ચાન્સેલર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)એ નશાકારક પદાર્થોના સેવન તેમજ તેના ગેરકાયદેસર વેપાર સામે થતી કાયદાકીય કાર્યવાહી અને તેની જોગવાઈઓ અંગે કાનૂની માહિતી આપી હતી.
આ ઉપરાંત, રાજકોટ જિલ્લાના લઘુમતી મોરચાના અધ્યક્ષ અસલમ મલેકે ખાસ ઉપસ્થિત રહી શ્રોતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના અંતમાં ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અમન શેખ દ્વારા ઉપસ્થિત તમામ કેદીઓ તેમજ અધિકારીઓને “નશા મુક્ત ભારત પ્રતિજ્ઞા” લેવડાવવામાં આવી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સત્તાવાર પૂર્ણાહુતિ થઈ હતી. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ જેલ વેલ્ફેર ઓફિસર દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો અને આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


