ગૌભક્ષક ભાવિન પટેલ સામે ગૌરક્ષક જેકી ગજ્જરનો બળવો
‘હાથી’ , તારા બધા ગોરખધંધા ખુલ્લા પાડીશ..નો ચીમકીભર્યો વીડિયો વાયરલ
ગૌરક્ષાના નામે હપ્તારાજના આક્ષેપથી ખળભળાટ, પશુઓની કથિત હેરફેરના આક્ષેપો વચ્ચે બે ગૌરક્ષકો આમને-સામને : સોશિયલ મીડિયામાં વીડિયો વોરથી ગૌરક્ષક વર્તુળોમાં ગરમાવો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગૌમાતાની રક્ષા, ગેરકાયદેસર પશુ પરિવહન અટકાવવું અને કતલખાને લઈ જવાતા મૂંગા પશુઓને બચાવવાના દાવા સાથે વર્ષોથી ગૌરક્ષક જૂથો સક્રિય જોવા મળે છે. અનેક વખત પશુ ભરેલા વાહનો અટકાવી પશુઓને મુક્ત કરાવવાના બનાવોને પગલે સમાજમાં ગૌરક્ષકો પ્રત્યે એક પ્રકારની વિશ્વસનીયતા પણ ઊભી થઈ છે. જોકે, હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બે વીડિયોએ આ જ ગૌરક્ષક વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.
વાયરલ થયેલા એક વીડિયોમાં ભાવિન પટેલ ઉર્ફે ‘હાથી’ તરીકે ઓળખાતા વ્યક્તિ દ્વારા પશુઓના કતલ અને કથિત હપ્તા વસૂલાત અંગે કરવામાં આવતી હોવાનો દાવો કરતી વાતચીત સામે આવી છે. વીડિયોમાં તે પશુઓને કતલ માટે લઈ જવા બાબતે મંજૂરી આપતો હોવાનો અને તેના બદલામાં કથિત રીતે નાણાં વસૂલતો હોવાનો દાવો કરતો સંભળાય છે. એટલું જ નહીં, આગામી દિવસોમાં પણ આ પ્રકારની વસૂલાત ચાલુ રહેશે અને ‘કોઈના બાપથી બીતો નથી’ જેવા આક્રમક શબ્દોનો ઉપયોગ કરાયો હોવાનો દાવો વીડિયોને લઈને થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં ગૌરક્ષક વર્તુળોમાં જ સવાલો ઊભા થયા છે કે જો ગૌરક્ષાના નામે કોઈ વ્યક્તિ પશુઓની હેરફેર અને કતલને મંજૂરી આપવાના બદલામાં નાણાં લેતો હોય તો તે ગૌરક્ષા કેવી રીતે કહેવાય?
આ વિવાદ વચ્ચે જેકી ગજ્જર નામના ગૌરક્ષકે પણ સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરીને ભાવિન પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમાં જેકી ગજ્જર કહી રહ્યો છે કે, હાથી તને હું સારી રીતે ઓળખું છું હવે તું ગાયો અને મૂંગા પશુઓને કતલ કરવા માટે કેવી રીતે કતલખાને મોકલે છે તે હું જોઈ લઉં છું તારા તમામ હપ્તા વાળા ધંધાઓ બંધ કરાવીશ, અને તારા તમામ ગોરખધંધા ખુલ્લા પાડીશ, થાય તે કરી લેજે, આમ ભાવિન પટેલને ગોરખધંધા ખુલ્લા પાડવાની ચીમકી આપતો જોવા મળે છે.
જેકી ગજ્જર સહિત કેટલાક ગૌરક્ષકોનો દાવો છે કે ભાવિન પટેલને ગૌરક્ષક તરીકે ઓળખાવવો જ યોગ્ય નથી. આક્ષેપ એવો પણ કરવામાં આવી રહ્યો છે કે પશુઓની હેરફેર માટે વપરાતા વાહનો સાથે તેની કથિત સંડોવણી છે અને પશુઓને કતલખાના સુધી પહોંચાડવામાં ‘પાઇલોટિંગ’ થતું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
વિવાદને વધુ ગંભીર બનાવતો આક્ષેપ એ છે કે ભાવિન પટેલ સામાન્ય પરિસ્થિતિમાંથી ધનાઢ્ય બન્યો હોવાની ચર્ચા વચ્ચે તેની આવકના સ્ત્રોત અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક ગૌરક્ષકોનો દાવો છે કે પશુઓની હેરફેર અને કતલ સાથે જોડાયેલી કથિત પ્રવૃત્તિઓમાંથી નાણાકીય લાભ મેળવવામાં આવતો હોવાના કારણે તેની સંપત્તિમાં વધારો થયો છે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થવાની બાકી છે.
હાલ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પરના વીડિયો અને તેમાં કરાયેલા આક્ષેપો પૂરતો જ છે. વીડિયોની સત્યતા, તેમાં રહેલા વ્યક્તિઓની ઓળખ, વાતચીતનો સંદર્ભ તથા કથિત હપ્તા વસૂલાત અંગે પોલીસ કે અન્ય સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકે તેમ છે.
એક તરફ પોતાને ગૌરક્ષક ગણાવતા વ્યક્તિ સામે ગૌરક્ષક જ ખુલ્લેઆમ મેદાને ઉતર્યો છે, તો બીજી તરફ સોશિયલ મીડિયામાં ચાલી રહેલા આક્ષેપ-પ્રતિઆક્ષેપથી ગૌરક્ષક વર્તુળોમાં પણ ચર્ચાઓ ગરમાઈ છે. હવે પોલીસ તપાસ થાય છે કે નહીં અને વાયરલ વીડિયોમાં કરાયેલા આક્ષેપોની પાછળનું સત્ય બહાર આવે છે કે નહીં, તેના પર સૌની નજર મંડાઈ છે.
ગૌરક્ષાના નામે હપ્તા? વાયરલ વીડિયોથી સવાલોનો મારો
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઈને એવો દાવો થઈ રહ્યો છે કે પશુઓની કથિત હેરફેર અને કતલ માટે મંજૂરી આપવાના બદલામાં નાણાં વસૂલવામાં આવે છે. જો આ આક્ષેપો તપાસમાં સાચા સાબિત થાય તો ગૌરક્ષાના નામે ચાલતી કથિત વસૂલાતનો ગંભીર મુદ્દો સામે આવી શકે છે.
‘હાથી’ સામે ‘હું બધું ખોલીશ’ની ચીમકી!
ભાવિન પટેલ ઉર્ફે ‘હાથી’ સામે જેકી ગજ્જરે સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગાય અને મૂંગા પશુઓની કથિત હેરફેરથી લઈને હપ્તા વસૂલાત સુધીના આક્ષેપો ઉઠાવી જેકી ગજ્જરે તમામ ગોરખધંધા ખુલ્લા પાડવાની ચીમકી આપી છે. બે વીડિયોએ ગૌરક્ષક વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
વાહન, પાઇલોટિંગ અને કતલખાના સુધીની કડીના આક્ષેપ
કેટલાક ગૌરક્ષકો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પશુઓની હેરફેરમાં વપરાતા વાહનો સાથે ભાવિન પટેલની કથિત સંડોવણી છે અને પશુઓને કતલખાના સુધી પહોંચાડવા માટે પાઇલોટિંગ કરવામાં આવતું હોવાની ચર્ચા છે. આ તમામ આક્ષેપોની સત્તાવાર તપાસ બાદ જ વાસ્તવિકતા સ્પષ્ટ થઈ શકે.
વીડિયો વાયરલ, હવે પોલીસ તપાસની રાહ
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા બંને વીડિયોમાં થયેલા દાવા અને આક્ષેપો હાલ ચર્ચાનો વિષય બન્યા છે. વીડિયો અસલી છે કે નહીં, તેમાં દર્શાવાયેલા દાવાઓ કેટલા સાચા છે અને ખરેખર હપ્તા વસૂલાત કે પશુ હેરફેરની કોઈ વ્યવસ્થા ચાલી રહી હતી કે નહીં, તે અંગે નિષ્પક્ષ તપાસ થાય તો જ સમગ્ર મામલાની હકીકત બહાર આવી શકે.


