સોશિયલ મીડિયામાં મિડલ ક્લાસની શોધખોળ પર નજર, પછી યુવતી મારફતે ફ્રોડ
રૂરલ સાયબર ક્રાઈમની ટીમે દિલ્હીથી નાઈજીરિયન માસ્ટરમાઈન્ડને ઝડપી પાડ્યો : આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર
અગ્ર ગુજરાત, રાજકોટ
સોશિયલ મીડિયા પર લોકોની સર્ચ હિસ્ટ્રી અને પ્રોફાઈલનો અભ્યાસ કરી તેમને તેમની જરૂરિયાત મુજબની વસ્તુની લાલચ આપીને સાયબર છેતરપિંડી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગના મુખ્ય સૂત્રધારને રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસે દિલ્હીમાં દબોચી લીધો છે. જસદણના યુવકને ફેસબુક પર મિત્ર બનાવી જર્મનીથી મોંઘી ગિફ્ટનું પાર્સલ મોકલ્યાનું કહી અલગ-અલગ ચાર્જના બહાને રૂ.6,31,900 પડાવી લેવાના ગુનામાં નાઈજીરિયન શખ્સ ફર્નાન્ડીઝ ઉર્ફે માઝી (ઉ.વ.47) ઝડપાયો છે. પોલીસે તેની પાસેથી મોબાઈલ, લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસ ફરિયાદ મુજબ જસદણના યુવકનો સંપર્ક એક મહિલાએ ફેસબુક મારફતે કર્યો હતો. ત્યારબાદ વોટ્સએપ પર સતત વાતચીત કરી યુવકનો વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો. મહિલાએ જર્મનીથી તેના માટે ગિફ્ટ પાર્સલ મોકલ્યું હોવાનું જણાવ્યું હતું. થોડા સમય બાદ અન્ય શખ્સોએ ફોન કરી પોતે દિલ્હી એરપોર્ટના કર્મચારી હોવાનું જણાવી પાર્સલમાં મોટી રકમના યુરો, સોનાની ચેઈન, આઈફોન અને ઘડિયાળ જેવી કિંમતી વસ્તુઓ હોવાનું કહી પાર્સલ છોડાવવા અલગ-અલગ ચાર્જ ભરવા જણાવ્યું હતું.
ગેંગની વાતમાં આવી ગયેલા યુવકે તબક્કાવાર ઓનલાઈન પેમેન્ટ કરી કુલ રૂ.6.31 લાખ ચૂકવી દીધા હતા. જોકે પૈસા ચૂકવ્યા બાદ પણ ગિફ્ટ પાર્સલ મળ્યું નહીં. શંકા જતા યુવકે દિલ્હી પાર્સલ વિભાગનો સંપર્ક કરતાં તેના નામે કોઈ પાર્સલ આવ્યું જ ન હોવાનું સામે આવ્યું હતું. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેણે રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો.
રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરની સૂચનાથી સાયબર ક્રાઈમ પીઆઈ આર.જે. ગોધમ અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અગાઉ ઝડપાયેલા આફ્રિકન મૂળના આરોપીઓ જોસેફાઈન યા અંસાહ એન્જલ, મંગેગેલી ઇમાની ડેનિશ અને ફિલિપ બટીસ્ટા જોસેફ વેલેન્ટાઈની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર તરીકે નાઈજીરિયન ફર્નાન્ડીઝ ઉર્ફે માઝીનું નામ સામે આવ્યું હતું. જેના પગલે પોલીસે દિલ્હી ખાતે કાર્યવાહી કરી તેને ઝડપી લીધો હતો.
આરોપી પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા ચાર મોબાઈલ ફોન, લેપટોપ, ચાર્જર, વાઈ-ફાઈ રીસીવર, પાસપોર્ટ, પેનડ્રાઈવ અને રોકડ સહિત કુલ રૂ.61,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં ફર્નાન્ડીઝ વર્ષ 2014માં મેડિકલ વિઝા ઉપર નાઈજીરિયાથી ભારત આવ્યો હોવાનું બહાર આવ્યું છે. વિઝાની મુદત પૂર્ણ થયા બાદ પણ તે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો અને દિલ્હીને પોતાનું ઠેકાણું બનાવી સાયબર ફ્રોડના રેકેટમાં સક્રિય બની ગયો હતો. આ અંગે ઈમિગ્રેશન વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
ફર્નાન્ડીઝની ગેંગની મોડસ ઓપરેન્ડી પણ ચોંકાવનારી હોવાનું પોલીસનું કહેવું છે. તે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લોકો શું શોધી રહ્યા છે, કઈ વસ્તુ ખરીદવામાં રસ ધરાવે છે અને તેમની જરૂરિયાત શું છે તેનો અભ્યાસ કરતો હતો. ખાસ કરીને મિડલ ક્લાસ વર્ગના લોકોની સોશિયલ મીડિયા પ્રોફાઈલ ચેક કરી તેમની નબળી કડી શોધવામાં આવતી હતી. ત્યારબાદ તેમની જરૂરિયાતને અનુરૂપ વસ્તુ અથવા ગિફ્ટ આપવાની લાલચ આપી સંપર્ક કરવામાં આવતો અને ધીમે-ધીમે વિશ્વાસ કેળવી પૈસા પડાવવામાં આવતા હતા.
માસ્ટરમાઈન્ડ ફર્નાન્ડીઝ જે તે વ્યક્તિ કયા રાજ્યનો છે અને કઈ ભાષા બોલે છે તેની પણ માહિતી મેળવતો હતો. ત્યારબાદ ટ્રાન્સલેશનની મદદથી સ્થાનિક ભાષામાં વાતચીત માટે સ્ક્રિપ્ટ તૈયાર કરી ગેંગની મહિલા સભ્યને આપતો હતો. મહિલા આરોપી આ જ સ્ક્રિપ્ટ મુજબ મેસેજ કરી યુવકોને પોતાની જાળમાં ફસાવતી અને બાદમાં અન્ય સાગરીતો ફોન કરીને પાર્સલ, કસ્ટમ, એરપોર્ટ કે અન્ય ચાર્જના નામે નાણાં પડાવતા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ફર્નાન્ડીઝ અગાઉ ઝડપાયેલી આફ્રિકન યુવતી સાથે સંબંધમાં હતો અને બંને દિલ્હીમાં સાથે રહેતા હતા. જોકે બાદમાં બંને વચ્ચે મનદુઃખ થતાં યુવતીએ તેનો સાથ છોડી ગ્રેટર નોઈડા ખાતે રહેવાનું શરૂ કર્યું હતું. હાલ પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી લીધા બાદ આ આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ દ્વારા અન્ય કેટલા લોકોને આ રીતે નિશાન બનાવવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કેટલા કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


