હમીરપરના પાંચ હત્યાકાંડમાં નવો વળાંક : બે આરોપીના નાર્કો ટેસ્ટને કોર્ટની મંજૂરી
બનાવ સમયે ઘટનાસ્થળથી 25 કિ.મી. દૂર હોવાનો આરોપીઓનો દાવો, પોલીસ સામે CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના પુરાવા દબાવ્યાનો આક્ષેપ : કોલ ડિટેઈલ રેકર્ડ પણ રજૂ કરવા આદેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
કચ્છના હમીરપર ગામે જમીનની જૂની અદાવતમાં પાંચ વ્યક્તિઓની હત્યાના ચકચારી કેસમાં હવે નવો કાયદાકીય વળાંક આવ્યો છે. આ કેસમાં આરોપી ભગુભા હસુભા વાઘેલા અને તેમના પુત્ર સિદ્ધરાજસિંહ ભગુભા વાઘેલાના નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવવા માટે કચ્છની સેશન્સ અદાલતે મંજૂરી આપી છે. સાથે જ મોબાઈલ કોલ ડિટેઈલ રેકર્ડ (CDR) અને સંબંધિત સાહેદોના નિવેદનો રજૂ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. બંને આરોપીઓએ પોતે નિર્દોષ હોવાનું જણાવી બનાવના સમયે ઘટનાસ્થળથી 25 કિલોમીટર દૂર હોવાનો દાવો કર્યો હતો.
આ ચકચારી હત્યાકાંડની વિગતો મુજબ, આશરે ત્રણ વર્ષ અગાઉ હમીરપર ગામની સીમમાં ખેતીની જમીન બાબતે ચાલતી જૂની અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ફરિયાદી રમેશ ભવાનભાઈ રાજપૂત પરિવારજનો સાથે સ્કોર્પિયો કારમાં વાડીએ જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ ટ્રેક્ટર કાર સાથે અથડાવી તેમનો રસ્તો રોક્યો હતો. કારની આગળ અને પાછળનો રસ્તો બંધ કરી લાકડીઓ, ધારિયાં તથા બંદૂક જેવાં હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અખા જેસિંગભાઈ ઉમટ, પેથાભાઈ ભવનભાઈ રાઠોડ, અમરા જેસંગભાઈ ઉમટ, લાલજી અખાભાઈ ઉમટ અને વેલા પાંચાભાઈ ઉમટ મળી પાંચ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં. બનાવમાં કુલ 22 આરોપીઓ સામે હત્યા સહિત લૂંટ, ધાડ, રાયોટિંગ અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
આ કેસના આરોપી ભગુભા અને તેમના પુત્ર સિદ્ધરાજસિંહે પોતાની સામે થયેલા આરોપો સામે સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે, હત્યાકાંડ બન્યો ત્યારે તેઓ હમીરપરથી આશરે 25 કિલોમીટર દૂર અયોધ્યાપુરી ગામમાં હાજર હતા. પોતાની આ હાજરીના સમર્થનમાં તેમણે વિસ્તારના CCTV કેમેરાનાં ફૂટેજ તપાસ અધિકારીઓને આપ્યાં હોવા છતાં તેનો તપાસમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં, પોતાની નિર્દોષતા સાબિત કરી શકે તેવા ફૂટેજ જાણીજોઈને કેસના રેકર્ડમાંથી દૂર રાખવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
આ ઉપરાંત બનાવના સમયગાળાના મોબાઈલ લોકેશન અને કોલ ડિટેઈલ રેકર્ડ પણ તપાસમાં યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યા ન હોવાની રજૂઆત કરી હતી. આથી પોતાની સામેના આરોપોની સત્યતા બહાર લાવવા બંને આરોપીઓએ સ્વેચ્છાએ નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવવા તૈયારી દર્શાવી હતી. બંને આરોપીઓ વતી એડવોકેટ તુષાર ગોકાણીએ અદાલતમાં અરજી રજૂ કરી દલીલ કરી હતી કે તપાસ અધિકારીની જવાબદારી માત્ર ફરિયાદપક્ષને સમર્થન આપતા પુરાવા એકત્રિત કરવાની જ નહીં, પરંતુ આરોપીઓના બચાવમાં જતા અને સત્ય હકીકતો ઉજાગર કરતા પુરાવા પણ રેકર્ડ પર મૂકવાની છે. આ કેસમાં એકતરફી તપાસ કરીને આરોપીઓને ખોટી રીતે સંડોવવામાં આવ્યા હોવાની રજૂઆત સાથે નાર્કો ટેસ્ટ, મોબાઈલ CDR અને અન્ય સંબંધિત પુરાવા મેળવવાની માગણી કરવામાં આવી હતી.
સામાપક્ષે અરજી કાયદેસર રીતે ચલાવી શકાય તેવી ન હોવાની દલીલ કરી હતી. અગાઉ પણ વિવિધ અરજીઓ અંગે હુકમો થઈ ચૂક્યા હોવાથી હવે કેસને લંબાવવાના ઇરાદાથી નવી અરજી કરવામાં આવી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જોકે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે નોંધ્યું હતું કે આરોપીઓ પોતાના બચાવ માટે નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવવા માગતા હોય અને મોબાઈલ કોલ ડિટેઈલ રેકર્ડ મેળવવા ઇચ્છતા હોય તો તેનાથી ફરિયાદપક્ષને કોઈ પૂર્વગ્રહ થતો નથી. તપાસ અધિકારીએ તમામ સંબંધિત વ્યક્તિઓના કોલ ડિટેઈલ રેકર્ડ મંગાવ્યા હોવાની કબૂલાત કરી હોવા છતાં ચાર્જશીટ સાથે તે રજૂ કરવામાં આવ્યા ન હોવાથી બચાવપક્ષને આ રેકર્ડ ઉપલબ્ધ કરાવવો જરૂરી હોવાનું અદાલતે માન્યું હતું.
ફેર ટ્રાયલના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને અદાલતે નાર્કો ટેસ્ટ, કોલ ડિટેઈલ રેકર્ડ તેમજ સંબંધિત સાહેદોનાં નિવેદનો રજૂ કરવાની અરજી મંજૂર કરી છે. આ કેસમાં આરોપીઓ તરફથી રાજકોટના ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, હરેશ કાંઠેચા, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મૃત્યુંજય જોશી, જયદેવસિંહ જાડેજા અને હિરલ નિમાવત સહિતની ટીમ રોકાયેલી છે.
પાંચ વ્યક્તિઓના જીવ લેનારા આ હત્યાકાંડમાં હવે નાર્કો ટેસ્ટ અને અગાઉ તપાસમાં રજૂ ન થયેલા ડિજિટલ પુરાવાઓને લઈને કેસની આગળની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે. જોકે, નાર્કો ટેસ્ટ માટેની અદાલતી મંજૂરીને આરોપીઓની નિર્દોષતાનો પુરાવો ગણી શકાય નહીં અને કેસનો અંતિમ નિર્ણય ટ્રાયલ દરમિયાન ઉપલબ્ધ પુરાવાઓના આધારે જ થશે.


