- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 10 ડિસેમ્બરથી સિરીઝ શરૂ થશે
- દીપક ચહર સાઉથ આફ્રિકા સિરીઝમાંથી થઇ શકે છે બહાર
- દીપક ચહર પિતાની બીમારીના કારણે ટીમમાંથી થઇ શકે છે બહાર
ભારતીય ટીમ 10 ડિસેમ્બરથી સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચની T20 સિરીઝ રમશે. ફાસ્ટ બોલર દીપક ચહર ટી20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે. આ પછી, દીપક ચહરને વનડે સિરીઝમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. હવે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દીપક સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ઉપલબ્ધ નહીં હોય. દીપક ચહર પિતાની બીમારીના કારણે તે આફ્રિકા શ્રેણી માટે અનુપલબ્ધ હોઈ શકે છે.
દીપક ચહર ઘરે પરત ફર્યો
ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લોરમાં રમાયેલી T20 સીરીઝની પાંચમી એટલે કે છેલ્લી મેચ પહેલા દીપક પોતાના ઘરે પરત ફર્યો હતો, જેના વિશે કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ સમયે જણાવ્યું હતું કે દીપક મેડિકલ ઈમરજન્સીના કારણે ઘરે પરત ફર્યો હતો. હવે દીપકે પોતે કહ્યું કે તેના પિતાને ગંભીર મગજનો સ્ટ્રોક આવ્યો છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે.
મારા પિતા મારા માટે મહત્વપૂર્ણ
દીપકે કહ્યું, “મારા પિતા મારા માટે મહત્વપૂર્ણ છે. તેમણે મને આજે હું જે ખેલાડી છું તે બનાવ્યો છે. તેમને આ સ્થિતિમાં છોડીને હું ક્યાંય જઈ શકતો નથી.” ભારતીય પેસરે એ પણ સ્પષ્ટ કર્યું કે તેણે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને સાઉથ આફ્રિકાના પ્રવાસને લઈને પસંદગીકારો સાથે વાત કરી છે. તેણે આગળ કહ્યું, “અમે તેમને સમયસર હોસ્પિટલ લાવ્યા, નહીં તો તે ખતરનાક બની શકે. હાલ તેમની હાલત સારી છે.” આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે જોડાવા અંગે તેણે કહ્યું, “તે મારા પિતાના સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. અત્યારે હું તેમને છોડી શકું તેમ નથી.”
ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી બાદ આફ્રિકા પ્રવાસ પર જગ્યા મળી
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20માં મુકેશ કુમારની ગેરહાજરીમાં દીપકને ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો. તે ચોથી મેચમાં પ્લેઈંગ ઈલેવનનો પણ ભાગ હતો. હવે તેને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટી20 અને વનડે શ્રેણી માટે ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે.


