CNGના ભાવ વધતા ગુજરાન ચલાવવું મુશ્કેલ ભાડા વધારો આપવા રિક્ષા ચાલકોની માંગ
કિલોમીટરનું મિનિમમ ભાડું રૂ.૨૦ કરવા એસો. દ્વારા માંગણી કરાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં રિક્ષા ભાડામાં વધારો કરવાની માંગ ઉઠી છે. શહેરના રિક્ષા ચાલકોનું કહેવું છે કે CNG સહિત વાહનના સંચાલન ખર્ચમાં સતત વધારો થયો છે, જ્યારે છેલ્લા ઘણા સમયથી રિક્ષાનું મિનિમમ ભાડું યથાવત્ છે. રાજકોટ બસપોર્ટ નજીક રિક્ષા ચલાવતા એસોસિએશનના(Rajkot Auto Rickshaw Fare) સભ્યોએ 1 કિલોમીટરનું મિનિમમ ભાડું 15 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરવાની માંગ કરી છે. રિક્ષા ચાલકોના જણાવ્યા મુજબ, વધતા ઇંધણના ભાવ અને વાહનના જાળવણી ખર્ચને કારણે હાલના ભાડામાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
રિક્ષા ચાલકોનું કહેવું છે કે થોડા વર્ષો પહેલાં CNGના ભાવની સરખામણીએ હાલ ખર્ચ ઘણો વધી ગયો છે. આ ઉપરાંત સ્પેરપાર્ટ્સ, સર્વિસિંગ અને અન્ય જાળવણી ખર્ચમાં પણ વધારો થયો છે. તેમના મતે, ખર્ચ વધ્યો હોવા છતાં રિક્ષાના ભાડામાં લાંબા સમયથી કોઈ મોટો ફેરફાર થયો નથી. તેથી હવે ભાડામાં વધારો કરવો જરૂરી બન્યો છે.
રિક્ષા ચાલકોએ Rapido જેવી બાઈક આધારિત સર્વિસને લઈને પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમનો આક્ષેપ છે કે ઓછી કિંમતમાં મુસાફરોને મુસાફરીની સુવિધા મળતી હોવાથી રિક્ષા ચાલકોનેસવારી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. રિક્ષા ચાલકોના જણાવ્યા પ્રમાણે, જે અંતર માટે રિક્ષાનું ભાડું લગભગ 100 રૂપિયા થાય છે, તે જ અંતર Rapido દ્વારા ઓછા ભાડામાં મુસાફરોને ઉપલબ્ધ થાય છે. જેના કારણે રિક્ષાના ધંધા પર સીધી અસર પડી રહી હોવાનું તેઓ કહી રહ્યા છે.
રિક્ષા ચાલકોનું કહેવું છે કે શહેરમાં લાંબા સમયથી મિનિમમ ભાડામાં વધારો થયો નથી. અન્ય શહેરોમાં ભાડામાં ફેરફાર થયા હોવાનો ઉલ્લેખ કરીને રાજકોટમાં પણ નવા ભાડા નક્કી કરવાની માંગ કરવામાં આવી છે. હવે રિક્ષા એસોસિએશનની આ માંગ અંગે તંત્ર શું નિર્ણય લે છે અને રાજકોટમાં રિક્ષાના ભાડામાં ખરેખર વધારો થાય છે કે નહીં, તે જોવું મહત્વનું રહેશે.


