ઉપલેટામાં ફરી લેટર બોમ્બ, નગરપાલિકાના કામો-કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો
પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ સહિતના નામોનો ઉલ્લેખ, તપાસની માંગ અને અગાઉની ફરિયાદોનો પણ લેટરમાં ઉલ્લેખ કરાયો : રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટા નગરપાલિકાને લઈને અગાઉ પણ અનેક વખત વિવિધ મુદ્દાઓ અંગે લેટર બોમ્બ ફૂટ્યા છે, ત્યારે હવે ફરી એકવાર નગરપાલિકાના વહીવટ અને કામગીરી અંગે ગંભીર આક્ષેપો કરતો લેટર સામે આવ્યો છે. લેટરમાં લખવામાં આવેલી વિગતો અને કરવામાં આવેલા આક્ષેપોને ધ્યાનમાં લેવામાં આવે તો આ મામલો આગામી દિવસોમાં ઉપલેટા શહેર, તાલુકા અને રાજકોટ જિલ્લા ઉપરાંત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સુધી ચર્ચાનો વિષય બને તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે.
આ લેટરમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ, તેમજ નિકુલભાઈ ચંદ્રવાડીયા અને મનોજભાઈ નંદાણીયા સહિતના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત રવિભાઈ માકડિયાનો પણ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લેટરમાં આ વ્યક્તિઓ અને નગરપાલિકાના વહીવટ સાથે સંકળાયેલા કેટલાક લોકો અંગે વિવિધ પ્રકારના આક્ષેપો રજૂ કરીને સમગ્ર મામલે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
લેટરમાં નગરપાલિકાના વિવિધ વિકાસકામો, બાંધકામ, કોન્ટ્રાક્ટ, ખરીદી તથા અન્ય કામગીરીમાં કથિત ભ્રષ્ટાચાર અને ટકાવારીના આક્ષેપો કરવામાં આવ્યા છે. લેટર મુજબ, જાહેર નાણાંમાંથી થતાં કામોમાં કથિત ગેરરીતિ થઈ રહી હોવાના સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ સાથે નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી કામો અને કોન્ટ્રાક્ટને લઈને અનેક પ્રશ્નો અને ફરિયાદો સામે આવતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
લેટરમાં નગરપાલિકાના કેટલાક કામોની ગુણવત્તા અને કામગીરી અંગે એવા પ્રશ્નો ઊભા થતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે બાબતો સામાન્ય નાગરિકોને પણ નરી આંખે જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કામની ગુણવત્તા, ખર્ચ, કોન્ટ્રાક્ટની પ્રક્રિયા અને બિલ ચુકવણી સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવે તો હકીકત બહાર આવી શકે તેવી રજૂઆત લેટરમાં કરવામાં આવી છે.
લેટરમાં નગરપાલિકાના કેટલાક હોદ્દેદારો અને સંબંધિત વ્યક્તિઓની મિલકતો અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આવકના પ્રમાણમાં મિલકતો અને સંપત્તિમાં કથિત વધારો થયો છે કે નહીં તે જાણવા માટે વિજિલન્સ તથા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) મારફતે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
લેટરમાં કરવામાં આવેલા આક્ષેપોની હકીકત શું છે તે અંગે હવે સત્તાવાર તપાસ મહત્વની બની રહે છે. સંબંધિત દસ્તાવેજો, ટેન્ડર, કોન્ટ્રાક્ટ, વર્ક ઓર્ડર, બિલ, ચુકવણી, કામની ગુણવત્તા તથા સંબંધિત વ્યક્તિઓની મિલકતોની નિયમસર તપાસ થાય તો લેટરમાં કરવામાં આવેલા આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે સ્પષ્ટ થઈ શકે છે.
સદસ્ય લખમણ ભોપાળાએ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હોવાનો ઉલ્લેખ
લેટરમાં નગરપાલિકાના સદસ્ય લખમણ ભોપાળાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ષ 2025માં થયેલા ચોમાસાના કામોમાં ભ્રષ્ટાચાર અંગે ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરીને લાખો રૂપિયાના કામોને લઈને કાનૂની લડત શરૂ કરવામાં આવી હોવાની બાબત રજૂ કરવામાં આવી છે. આ મુદ્દો પણ નગરપાલિકાના કામોની ગુણવત્તા અને ખર્ચ અંગે અગાઉથી ઉઠી રહેલા સવાલોને વધુ ચર્ચામાં લાવી શકે તેવી સ્થિતિ છે.
મહિલા સદસ્યોની જગ્યાએ ‘પતિદેવો’ વહીવટ ચલાવતા હોવાની ફરિયાદનો ઉલ્લેખ
લેટરમાં નગરપાલિકાની મહિલા સદસ્યોની જગ્યાએ તેમના પતિદેવો વહીવટ ચલાવતા હોવાની ફરિયાદો કરવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ છે. આ મામલે પ્રાદેશિક કમિશનરની કચેરીથી લઈને ગાંધીનગર સુધી રજૂઆતો અને ફરિયાદો પહોંચાડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ફરિયાદોમાં નિયમો મુજબ ચૂંટાયેલા મહિલા સદસ્યોની ભૂમિકા અને તેમની જગ્યાએ અન્ય વ્યક્તિઓ દ્વારા વહીવટી કામગીરી કરવામાં આવે છે કે નહીં તે અંગે તપાસની માંગ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
અધિકારીઓની ભૂમિકા અંગે પણ લેટરમાં સવાલો
આ તમામ ફરિયાદો અને રજૂઆતો છતાં કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે અંગે પણ લેટરમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક નાગરિકો અને સદસ્યો દ્વારા અંદરખાને અધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લેટર લખનાર દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદારો સામે નિયમસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


