જેતપુર પાલિકામાં મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશી પર બેસી પતિદેવો દ્વારા વહિવટ
ચીફ ઓફિસરે પ્રમુખ અને ઉપપ્રમુખને નોટિસ ફટકારતા સ્થાનિક રાજકારણમાં ભડકો: અરજદારો પ્રશ્નો લઈને જાય ત્યારે મહિલા પદાધિકારીઓ ગેરહાજર રહે છે અને તેમના પતિઓ જવાબો આપે છે: જાગૃત નાગરિકની લેખિત ફરિયાદ
અગ્ર ગુજરાત, જેતપુર
રાજકારણમાં મહિલા સશક્તિકરણ અને અનામતના નામે કેવો ખુલ્લો તમાશો ચાલી રહ્યો છે, તેનું જીવંત ઉદાહરણ જેતપુર-નવાગઢ નગરપાલિકામાં સામે આવ્યું છે. પાલિકામાં ચૂંટાયેલા મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ માત્ર ‘રબર સ્ટેમ્પ’ સમાન બની રહ્યા છે, જ્યારે સાચી સત્તા તેમના પતિદેવો ભોગવી રહ્યા છે. સ્થાનિક નાગરિકની ચોંકાવનારી ફરિયાદ બાદ પાલિકાના ચીફ ઓફિસરે સીધી જ પ્રમુખ અને ઉપપ્રમુખને કડક નોટિસ ફટકારીને આ બિન-અધિકૃત ‘પતિરાજ’નો પર્દાફાશ કર્યો છે.
પ્રાપ્ત સત્તાવાર દસ્તાવેજો અને વિગતો અનુસાર, જેતપુરના જાગૃત નાગરિકે ગત તા. ૨૯/૦૭/૨૦૨૬ ના રોજ પાલિકામાં એક ગંભીર લેખિત રજૂઆત કરી હતી. આ ફરિયાદમાં ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, શહેરના નાગરિકો જ્યારે પોતાના પ્રાણપ્રશ્નો કે રજૂઆતો લઈને નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને મળવા જાય છે, ત્યારે આ બંને મહિલા પદાધિકારીઓ મોટાભાગે ત્યાં ઉપલબ્ધ હોતા નથી.
સૌથી શરમજનક બાબત તો એ છે કે, આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગેરહાજરીમાં તેમના પતિઓ તેમની જગ્યાએ બેસીને અરજદારોની રજૂઆતો સાંભળે છે, તેમને વિવિધ પ્રશ્નોના જવાબો આપે છે અને નગરપાલિકાના વહીવટી કામકાજમાં અત્યંત સક્રિય અને બિન-અધિકૃત ભૂમિકા ભજવે છે. લોકશાહીના આ ખુલ્લા ચીરહરણ અંગેની ફરિયાદ મળતા જ પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
આ ગંભીર આક્ષેપોને પગલે, જેતપુર-નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરે પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેને (જા.નં. ૧૮૫ અંતર્ગત) સત્તાવાર નોટિસ ફટકારી છે. ચીફ ઓફિસરે કડક ભાષામાં તાકીદ કરતા જણાવ્યું છે કે, જો આપશ્રીના પતિશ્રીઓ દ્વારા નગરપાલિકાના વિવિધ વહીવટી કામકાજ, રજૂઆતો અને અન્ય રોજીંદી કામગીરીમાં હસ્તક્ષેપ કરવામાં આવે તો તે જાહેર વહીવટી પારદર્શિતા, જવાબદારી અને કાયદાકીય દ્રષ્ટિએ અત્યંત ગંભીર પ્રશ્નો ઉભા કરી શકે છે
ચીફ ઓફિસરે બંને મહિલા પદાધિકારીઓને સીધો આદેશ આપ્યો છે કે, તેઓ નાગરિકોને મળવા માટે પોતાનો ચોક્કસ સમય નક્કી કરે અને પોતાના પતિઓ કે અન્ય પ્રતિનિધિઓ દ્વારા પાલિકાના વહીવટી કાર્યમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ ન થાય તેની કડક ખાતરી આપે. લોકશાહીના નામે ચાલતા આ પરોક્ષ ‘પતિ-શાસન’ પર ચીફ ઓફિસરે લાલ આંખ કરતા શહેરીજનો અને સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.


