રાજકોટ ડિવિઝનના પાંચ રેલવે કર્મચારીઓ PCCM એવોર્ડથી સન્માનિત
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વાણિજ્ય વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ અમદાવાદ ખાતે યોજાયેલા સમારોહમાં પ્રિન્સિપલ ચીફ કમર્શિયલ મેનેજર તરુણ જૈનના હસ્તે કરાયું બહુમાન
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ કમર્શિયલ મેનેજર (PCCM) તરુણ જૈન દ્વારા 8 ઓગસ્ટ 2026ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા વિશેષ સંવાદ સમારોહમાં રાજકોટ ડિવિઝનના પાંચ કર્મચારીઓને PCCM એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વાણિજ્ય વિભાગમાં આપેલા ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય યોગદાન બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું.
સમારોહને સંબોધતા તરુણ જૈને જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે વાણિજ્યિક ક્ષેત્રે દેશમાં અગ્રણી છે અને આ સિદ્ધિ કર્મચારીઓના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. કાર્યક્રમ દરમિયાન મુસાફરોની સુવિધાઓ વધારવા, કાર્યપદ્ધતિ વધુ અસરકારક બનાવવા તેમજ દૈનિક કામગીરીમાં આવતા પડકારો અંગે વિગતવાર વિચાર-વિમર્શ કરી જરૂરી સુધારાની ખાતરી આપવામાં આવી હતી.
સન્માનિત થયેલા રાજકોટ ડિવિઝનના કર્મચારીઓમાં વિશાલ એમ. ભટ્ટ – ડિવિઝનલ કમર્શિયલ ઇન્સ્પેક્ટર, રાજકોટ, પાલવ જોશી – ડિવિઝનલ કમર્શિયલ ઇન્સ્પેક્ટર, જામનગર, વિકાસ અધ્યારૂ – ડિવિઝનલ કમર્શિયલ ઇન્સ્પેક્ટર (ફરિયાદ સેલ), બાલસુબ્રમણ્યમ એ. – ચીફ કમર્શિયલ સુપરવાઇઝર, રાજકોટ, જય જોશી – લગેજ સુપરવાઇઝરનો સમાવેશ થાય છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ તમામ વિજેતા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ જ નિષ્ઠા અને સમર્પણ સાથે મુસાફરોને બહેતર સેવાઓ પૂરી પાડવા પ્રોત્સાહિત કર્યા હતા.


