શેરબજારમાં હવે એન્ટ્રી આસાન નહીં!
21 વર્ષ ઉંમર અને રૂ.5 લાખની મૂડીનો પ્રસ્તાવ
સેબીના નવા ચર્ચાપત્રથી શેરબજારમાં ખળભળાટ : વ્યક્તિગત રોકાણકારથી બ્રોકર અને કંપનીઓ સુધી અલગ-અલગ માપદંડની તૈયારી, ગેરેન્ટેડ વળતરની બાંહેધરી પર પણ લગામ
અગ્ર ગુજરાત, રાજકોટ
શેરબજારમાં રોકાણકારોની વધતી સંખ્યા, રિટેલ રોકાણકારોની સક્રિયતા અને ડે-ટ્રેડિંગમાં વધતા રસ વચ્ચે હવે બજારમાં પ્રવેશ અને કામગીરી માટેના નિયમો વધુ કડક બનાવવાની દિશામાં કવાયત શરૂ થઈ છે. સેબી દ્વારા જાહેર કરાયેલા ચર્ચાપત્રમાં વ્યક્તિગત રોકાણકારો, શેરબ્રોકરો તેમજ કંપનીઓ માટે અલગ-અલગ લાયકાત અને નાણાકીય માપદંડ નક્કી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ પ્રસ્તાવનો અમલ થાય તો શેરબજારમાં માત્ર એકાઉન્ટ ખોલાવીને ટ્રેડિંગ શરૂ કરી દેવાનો રસ્તો વધુ મુશ્કેલ બની શકે છે.
ચર્ચાપત્રમાં વ્યક્તિગત રોકાણકાર માટે હાલની 18 વર્ષની ઉંમરની મર્યાદાને વધારીને 21 વર્ષ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ સાથે રોકાણકાર ઓછામાં ઓછું ધોરણ-12 કે તેથી વધુ શિક્ષણ ધરાવતો હોવો જોઈએ તેવો માપદંડ પણ સૂચવાયો છે. એટલું જ નહીં, વ્યક્તિગત રોકાણકાર પાસે ઓછામાં ઓછી રૂ.5 લાખની લિક્વિડ અથવા રોકડ સ્વરૂપની સંપત્તિ હોવી જરૂરી બને તેવી ભલામણ પણ કરવામાં આવી છે. એટલે કે ભવિષ્યમાં શેરબજારમાં રોકાણ કરવા માટે માત્ર ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ પૂરતું નહીં રહે, પરંતુ રોકાણકારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને નાણાકીય ક્ષમતા પણ મહત્વની બની શકે છે.
આ ઉપરાંત શેરબ્રોકર સાથે જોડાયેલા વ્યક્તિગત રોકાણકાર માટે ઓછામાં ઓછી રૂ.1 લાખની ડિપોઝિટ રાખવાની જોગવાઈ અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. જોકે રોકાણકારના ટ્રેડિંગના કદ અને વ્યવહારને ધ્યાનમાં રાખીને બ્રોકર આ રકમ કરતાં વધુ ડિપોઝિટ પણ માંગી શકે તેવી શક્યતા છે. આ જોગવાઈનો હેતુ બજારમાં ગંભીર નાણાકીય ક્ષમતા ધરાવતા અને જવાબદારીપૂર્વક ટ્રેડિંગ કરતા રોકાણકારોને પ્રોત્સાહન આપવાનો હોવાનું માનવામાં આવે છે.
કંપનીઓ માટે પણ અલગ નાણાકીય માપદંડ સૂચવાયો છે. ચર્ચાપત્ર મુજબ શેરબજાર સાથે સંકળાયેલી કંપની પાસે ઓછામાં ઓછી રૂ.25 લાખની નેટવર્થ હોવી જરૂરી બને તેવી ભલામણ છે. બજારમાં નાણાકીય રીતે નબળી, અસ્થિર અથવા અચાનક ગાયબ થઈ જતી સંસ્થાઓને કારણે રોકાણકારોને નુકસાન ન થાય તે માટે આવા માપદંડ નક્કી કરવાની દિશામાં વિચારણા થઈ રહી છે.
શેરબ્રોકરો માટે પણ નિયમો કડક કરવાની તૈયારી છે. બ્રોકર તરીકે કામગીરી કરનાર વ્યક્તિએ કોઈ સ્ટોક બ્રોકર અથવા સિક્યોરિટીઝ ક્ષેત્રમાં ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ ધરાવવો જોઈએ તેવી ભલામણ કરવામાં આવી છે. સાથે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સ એટલે કે NISMનો સર્ટિફિકેટ કોર્સ કરવાની જોગવાઈ અંગે પણ સૂચન કરવામાં આવ્યું છે. આથી ભવિષ્યમાં શેરબ્રોકિંગ ક્ષેત્રમાં પ્રવેશ માટે અનુભવ અને વ્યાવસાયિક લાયકાત બંને જરૂરી બની શકે છે.
ટ્રેડિંગ ટર્મિનલની સુરક્ષા અને ઓળખને લઈને પણ મહત્વની જોગવાઈઓ સૂચવવામાં આવી છે. બ્રોકરોની ઓફિસમાં જિયો-ટેગિંગ, CCTV, ચહેરો ઓળખી શકે તેવી કેમેરા સિસ્ટમ, બાયોમેટ્રિક ચકાસણી, પ્રી-ઓર્ડર ડેટાનું કેન્દ્રીય સ્ટોરેજ તેમજ ડેટાની સુરક્ષા માટેની વ્યવસ્થા ઉભી કરવાની ભલામણ કરવામાં આવી છે. ફાળવાયેલા ટ્રેડિંગ ટર્મિનલની અચાનક મુલાકાત લઈને તમામ સુરક્ષા અને ટેક્નિકલ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તેની ચકાસણી કરવાની જવાબદારી પણ બ્રોકર પર મૂકવાની વાત કરવામાં આવી છે.
રોકાણકારોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને ચોક્કસ વળતરની લાલચ સામે પણ નિયમો કડક કરવાની તૈયારી છે. ગેરેન્ટેડ રિટર્ન અથવા નિશ્ચિત નફાની બાંહેધરી આપીને રોકાણકારોને આકર્ષવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવાની ભલામણ કરવામાં આવી છે. સાથે હિસાબોનું ઓડિટ, રોકાણકારોના નાણાંની સુરક્ષા અને સક્રિય તથા અધિકૃત વ્યક્તિઓની યાદી વેબસાઇટ પર જાહેર કરવાની જોગવાઈ અંગે પણ સૂચન કરાયું છે.
જોકે સેબીના આ પ્રસ્તાવથી રોકાણકારોની સુરક્ષા અને પારદર્શિતા વધવાની આશા છે, પરંતુ બ્રોકિંગ ઉદ્યોગમાં તેના કારણે ખર્ચ વધવાની ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે. વેન્ચુરા સિક્યોરિટીઝના ડી.પી. સિંઘના જણાવ્યા મુજબ આ પ્રકારની વ્યવસ્થાઓથી બ્રોકરોનો ઓપરેશનલ ખર્ચ વધશે અને ખાસ કરીને નાના તથા મધ્યમ કદના બ્રોકરો માટે આર્થિક ભારણ ઊભું થઈ શકે છે. પરિણામે કેટલાક નાના બ્રોકરોને પોતાનો વ્યવસાય સંકેલવાની ફરજ પડે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. ગ્રાહકોની ડિપોઝિટ સહિતના નાણાંના દુરુપયોગને રોકવા માટે વધારાની સલામતી વ્યવસ્થા જરૂરી હોવાનો મત પણ વ્યક્ત થયો છે. હાલમાં આ તમામ જોગવાઈઓ ચર્ચાપત્રના તબક્કામાં છે અને સેબીએ તેના અંગે સૂચનો તથા અભિપ્રાયો માંગ્યા છે. તેથી 21 વર્ષની ઉંમર, રૂ.5 લાખની મૂડી કે રૂ.1 લાખની ડિપોઝિટ સહિતના માપદંડો હાલમાં અંતિમ નિયમો નથી. સેબી દ્વારા મળેલા સૂચનો અને અભિપ્રાયોના આધારે અંતિમ માળખું નક્કી થયા બાદ જ શેરબજારના રોકાણકારો, બ્રોકરો અને કંપનીઓ પર તેની ચોક્કસ અસર સ્પષ્ટ થશે.
21 વર્ષથી ઓછી ઉંમરે રોકાણ નહીં?
નવા પ્રસ્તાવ મુજબ વ્યક્તિગત રોકાણકાર માટે ઉંમરની લઘુતમ મર્યાદા 18થી વધારીને 21 વર્ષ કરવાની ભલામણ છે. સાથે ધોરણ-12 કે તેથી વધુ શિક્ષણનો માપદંડ પણ સૂચવાયો છે. એટલે ભવિષ્યમાં શેરબજારમાં પ્રવેશ માત્ર ઉંમરથી નહીં પરંતુ લાયકાત અને નાણાકીય ક્ષમતા સાથે જોડાઈ શકે છે.
રિટેલ રોકાણકાર માટે નાણાકીય ક્ષમતા સાબિત કરવાની તૈયારી
વ્યક્તિગત રોકાણકાર પાસે ઓછામાં ઓછી રૂ.5 લાખની લિક્વિડ અથવા રોકડ સ્વરૂપની સંપત્તિ હોવી જરૂરી બને તેવી ભલામણ છે. હેતુ એ છે કે બજારમાં ગંભીર નાણાકીય ક્ષમતા ધરાવતા રોકાણકારો જ સક્રિય રીતે જોડાય અને માત્ર હવામાં થતા સોદા કે અતિ જોખમી ટ્રેડિંગને નિયંત્રણમાં લાવી શકાય.
કંપનીઓએ પણ બતાવવી પડશે તાકાત
શેરબજાર સાથે સંકળાયેલી કંપનીઓ માટે ઓછામાં ઓછી રૂ.25 લાખની નેટવર્થ રાખવાની દરખાસ્ત છે. નાણાકીય રીતે નબળી અથવા અસ્થિર સંસ્થાઓ બજારમાં પ્રવેશ ન કરે અને રોકાણકારોના હિતને નુકસાન ન થાય તે દિશામાં આ માપદંડ મહત્વનો બની શકે છે.
બ્રોકરના દરવાજે રૂ.1 લાખની ડિપોઝિટ!
ટ્રેડિંગના કદ પ્રમાણે વધુ રકમ પણ માંગી શકાશે
વ્યક્તિગત રોકાણકારને શેરબ્રોકર પાસે ઓછામાં ઓછી રૂ.1 લાખની ડિપોઝિટ રાખવાની જોગવાઈ અંગે પ્રસ્તાવ છે. રોકાણકારના વ્યવહારનું પ્રમાણ વધુ હોય તો બ્રોકર વધારાની ડિપોઝિટની માંગણી કરી શકે તેવી પણ શક્યતા છે.
ટ્રેડિંગ ટર્મિનલ પર ‘ત્રીજી આંખ’ની નજર
નવા માળખામાં બ્રોકરની ઓફિસમાં જિયો-ટેગિંગ, CCTV, ફેસ રેકગ્નિશન કેમેરા, બાયોમેટ્રિક ચકાસણી અને પ્રી-ઓર્ડર ડેટાના કેન્દ્રીય સ્ટોરેજ જેવી વ્યવસ્થાઓનો સમાવેશ કરવાની ભલામણ છે. ટ્રેડિંગ ટર્મિનલની સુરક્ષા અને ઓળખ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ રહેશે.
નિશ્ચિત નફાની લાલચ આપનારા પર કડક નજર
રોકાણકારોને ચોક્કસ કે ગેરેન્ટેડ વળતરની બાંહેધરી આપતી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાની દિશામાં પણ પ્રસ્તાવ છે. બ્રોકર અને સિક્યોરિટીઝ સાથે સંકળાયેલી સંસ્થાઓએ રોકાણકારોને જોખમ અંગે યોગ્ય ચેતવણી આપવી પડશે અને સક્રિય અધિકૃત વ્યક્તિઓની યાદી વેબસાઇટ પર જાહેર કરવાની રહેશે.


