સંસદમાં ભગવા વસ્ત્રોના વિરોધથી ગીર સોમનાથના સાધુ સંતોમાં નારાજગી, કલેક્ટર કચેરીમાં રામધુન બોલાવી
વિહિપે પપ્પુ યાદવ સહિતના નેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી સાંસદ પદ રદ કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
દિલ્હી સ્થિત સંસદ ભવન પરિસરમાં ભગવા વસ્ત્રો ધારણ કરીને કરાયેલા વિરોધ પ્રદર્શનને લઈને ગીર સોમનાથ જિલ્લાના સનાતન સંત સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંતો તથા કાર્યકરોએ ગીર સોમનાથ જિલ્લા કલેકટર કચેરી ખાતે રામધૂન બોલાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવીને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, તા. 31 જુલાઈ, 2026ના રોજ સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ તથા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને તેમના સમર્થકો દ્વારા સનાતન સંસ્કૃતિ અને સાધુ-સંતોના અપમાનજનક કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સંત સમાજે આક્ષેપ કર્યો હતો કે રાજકીય વિરોધ માટે ભગવા વસ્ત્રો અને સાધુ- સંતોના વેશનો ઉપયોગ કરીને સંત પરંપરા તથા ભગવા સંસ્કૃતિની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે. વધુમાં પ્રદર્શન દરમ્યાન ભગવાનના ચિત્રો પગ પાસે રાખવામાં આવ્યા હોવાનો દાવો કરી તેને કરોડો સનાતનીઓની ધાર્મિક લાગણી દુભાવતું કૃત્ય ગણાવાયું હતું.
આવેદનપત્રમાં સમગ્ર ઘટનાને કાવતરાખોર ગણાવી સનાતન સંત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હોવાનો ઉલ્લેખ કરી અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિર સંબંધિત તપાસને પ્રભાવિત કરવા તથા ભટકાવવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. સંત સમાજે પપ્પુ યાદવ સહિત ઉલ્લેખિત તમામ નેતાઓ સામે ગંભીર કલમો હેઠળ FIR નોંધી કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઉપરાંત સંબંધિત સાંસદોનું સભ્યપદ રદ કરવા અને સંત સમાજ તથા આશ્રમ વ્યવસ્થાને થયેલા કહેવાતા આર્થિક નુકસાનની ક્ષતિપૂર્તિ કરાવવાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી.
સંતોએ ચેતવણી આપી હતી કે જો આ મામલે તાત્કાલિક કડક કાર્યવાહી નહીં થાય તો સનાતન સંત સમાજ અને હિન્દુ સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ સાથે ગાયમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવાની પણ સરકાર સમક્ષ બુલંદ માંગ કરવામાં આવી હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં સંતો અને કાર્યકરોએ રામધૂન સાથે જય શ્રી રામના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું.


