- બિલ પાસ થાય તો હજારો ભારતીયોને ફાયદો થશે
- રોજગાર ઈમિગ્રેશન વિઝાની લિમિટ 7 ટકાથી વધારીને 15 ટકા કરવા દરખાસ્ત
- ભારતીયો યુએસમાં જૉબ કરી રહ્યા છે તેમના માટે ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો સાફ
અમેરિકામાં જોબ કરતા વિદેશી કર્મચારીઓને આપવામાં આવતા ગ્રીન કાર્ડનો બેકલોગ ઘણો વધી ગયો છે ત્યારે આ બેકલોગ ઘટાડવા યુએસનાં ત્રણ વગદાર સાંસદોએ એક બિલ સંસદમાં રજૂ કર્યું છે. આ બિલમાં કેટલીક જોગવાઈઓને કારણે હજારો ભારતીયોને ફાયદો થવાની સંભાવના છે. હાલ જે ભારતીયો યુએસમાં જૉબ કરી રહ્યા છે તેમના માટે ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો સાફ થશે.
આ બિલને મૂળ ભારતીય અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ તેમજ પ્રમિલા જયપાલ તથા રિક મેક્કોર્મિક દ્વારા યુએસ સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. આ દ્વિદલીય બિલ અમેરિકાની ઈકોનોમીને વધારે મજબૂત કરશે તેવી ધારણા છે. આ દ્વિદલીય બિલ HR6542 Act (Immigration Visa Efficiency and Security Act) તરીકે ઓળખવામાં આવે છે. જે અમલમાં આવશે તો યુએસ ઈકોનોમી મજબૂત થશે.
ઉચ્ચ કુશળતા ધરાવતા કર્મચારીઓને ગ્રીન કાર્ડ જલદી મળે તેવો હેતુ
અમેરિકાનાં સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે અમે જ્યારે અમેરિકાની ભવિષ્યની ઈકોનોમીનું નિર્માણ કરી રહ્યા છીએ ત્યારે ઉચ્ચ કુશળતા ધરાવતા કર્મચારીઓ ગ્રીન કાર્ડ વિના બેકલોગમાં જ ફસાઈ રહે તે આવકાર્ય નથી. આવા હાઈ સ્કીલ્ડ કર્મચારીઓ અમેરિકાનાં વિકાસમાં તેમનું યોગદાન આપે તે જરૂરી છે. ગ્રીન કાર્ડનો બેકલોગ દૂર કરીને ઉચ્ચ કુશળતા ધરાવતા કર્મચારીઓને ઝડપથી ગ્રીન કાર્ડ મળે તે જરૂરી છે. હાલ અમેરિકામાં રોજગાર કરતા 95 ટકા ઈમિગ્રન્ટ્સ કર્મચારીઓ હંગામી ધોરણે અમેરિકાનાં વર્ક વિઝા મેળવીને અમેરિકામાં રહે છે. જો બેકલોગ દૂર કરાશે તો તેમને માટે યુએસમાં કાયમી વસવાટ કરવાનો માર્ગ ખૂલશે.
અમેરિકાની કંપનીઓ વિદેશી કર્મચારીઓને યોગ્યતાને આધારે નોકરીઓ આપી શકશે. આમ ફક્ત જન્મ સ્થળને આધારે આપવામાં આવતી નોકરી આડેનાં અવરોધો દૂર કરી શકાશે.


