- ક્રિસ ગેલ, ગૌતમ ગંભીર અને સુરેશ રૈના જેવા ખેલાડીઓ
- પૂર્વ ક્રિકેટ સ્ટાર્સની અનોખી ક્રિકેટ લીગ રમાશે સુરતમાં
- સચિન અને માહી પણ 9 ડિસેમ્બરે સુરત આવે તેવી શક્યતા
લિજેન્ડ્સ ક્રિકેટ લીગની ક્વોલિફાયર, એલિમિનેટર, ક્વોલિફાયર 2 અને ફાઇનલ સુરત ખાતે રમાવાની છે. જેને જોવા માટે ક્રિકેટ ચાહકોમાં આતુરતા જોવા મળી છે. સુરત ખાતે મેચને લઈ ક્રિકેટ દિગ્ગજો સુરત પહોંચ્યા છે. ગ્રુપ સ્ટેજની મેચો 18 નવેમ્બર 2023થી શરૂ થઈ છે. જ્યારે ક્વોલિફાયર, એલિમિનેટર, ક્વોલિફાયર 2 અને ફાઇનલ આ વખતે સુરતમાં રમાશે. જેને લઈને ક્રિકેટ ફેન્સમાં જબરૂં આકર્ષણ છે. લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં કુલ 6 ટીમો રમી હતી. જેમાં ભીલવાડા કિંગ્સ, બીજી ગુજરાત જાયન્ટસ, ત્રીજી ટીમ ઈન્ડિયા કેપિટલ્સ, ચોથી ટીમ મણિલાલ ટાઈગર્સ તો પાંચમી સદર્ન સુપરસ્ટાર્સ અને છેલ્લી ટીમ અર્બનરાઈઝર્સ હૈદરાબાદ છે.
ક્રિકેટરોને જોવા એરપોર્ટ પર ભીડ જામી
લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભાગ લેનાર દિગ્ગજ ખેલાડીઓ આજે સુરત આવી પહોંચ્યા હતા. ગઇકાલે પણ ક્રિસ ગેલ જેવા ખેલાડીઓ આવ્યા હતા. આજે પણ એરપોર્ટ ઉપર સુરેશ રૈના સહિતના દિગ્ગજ ખેલાડીઓ સુરત એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા. વિશાખાપટ્ટનમથી સીધા તેઓ સુરત એરપોર્ટ પહોંચતા ક્રિકેટ ચાહકો તેમની એક ઝલક જોવા માટે કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા હતા.લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં દિગ્ગજ ક્રિકેટરો પોતાનું પર્ફોમન્સ આપશે અને તેમને ફરી એક વખત ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમતા જોવાનો લાવો કંઇક અનેરો છે. સુરતીલાલાઓ પોતાના ચહેરા ઉપર તિરંગો લગાવીને સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. ક્રિસ ગેલ, સુરેશ રૈના, ગૌતમ ગંભીર જેવા ખેલાડીઓની એક ઝલક પામવા માટે ક્રિકેટ ફેન્સ આતુર હતા.
ધોની-સચિન આવી શકે છે
આ મામલે વધુ એક અપડેટ એવી છે કે સુરતમાં મહેન્દ્રસિંહ ધોની અને સચિન તેંડુલકર પણ સુરતમાં હાજર રહી શકે તેમ છે. 9 ડિસેમ્બરના દિવસે યોજનારી લિજેન્ડ્સ લીગ ક્રિકેટની ફાઈનલ મેચમાં સુરતમાં હાજરી આપશે તેવી પૂર્ણ શક્યતા છે. જોકે, હજુ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આ બંને ક્રિકેટરો હાજર રહે તેવી ભરપૂર સંભાવનાઓ છે. જેથી ક્રિકેટને લઈને સુરતવાસીઓનો રોમાંચ ઓર વધી શકે તેમ છે.
ઘરઆંગણે અનેરો રોમાંચ
રિટાયર્ડ થયેલા ખેલાડીઓને ફરીથી એક વખત ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમતા જોવાનો લહાવો કંઇક અનેરો છે. સુરતના ક્રિકેટ ચાહકોને આ નજારો ઘરઆંગણે જોવા મળી રહ્યો છે. આ વાતને લઈને તેઓ ખૂબ જ ઉત્સાહમાં છે સાથે ઘણાં ચાહકો ટીમ ઈન્ડીયાની જર્સી પહેરીને જોવા મળ્યા હતા. ક્રિસ ગેલ, સુરેશ રૈના, ગૌતમ ગંભીર જેવા ખેલાડીઓને જોવા ક્રિકેટ ચાહકો કલાકો સુધી સ્ટેડિયમની બહાર જમાં થયા હતા. સુરતીઓ આ મેચને લઈ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. મેદાનની બહાર ક્રિકેટ ફેન્સે મોટી ભીડ જમાવી હતી. પૂર્વ ક્રિકેટર્સના જમાવડાથી ડાયમંડ નગરી સુરતની શાઈન વધી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.


