- મૂળ ભારતના કાશ્મીરની રહેવાસી છે કૌલ
- યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડશે કૌલ
- જાહેર સુરક્ષા, શિક્ષણ અને આરોગ્ય સંભાળના મૂદ્દાઓ સાથે ચૂંટણી લડશે
ભારતીય મૂળની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત ક્રિસ્ટલ કૌલ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડશે. તેણે પોતે જાહેર કર્યું છે કે તે વર્જિનિયાના કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડશે, જેમાં જાહેર સલામતી, શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ચૂંટણી જીતશે તો બીજી ભારતીય – અમેરિકન મહિલા નેતા બનશે..!
કૌલ મૂળ ભારતના કાશ્મીરની છે. જો તેઓ 2024 માં ચૂંટાય છે તો તે કોંગ્રેસના સભ્ય પ્રમિલા જયપાલ પછી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાયેલી બીજી ભારતીય-અમેરિકન મહિલા હશે. ઉલ્લેખનીય છે કે પ્રમિલા જયપાલની બહેન સુશીલા જયપાલે પણ ઓરેગોનના ત્રીજા કોંગ્રેસનલ જિલ્લામાંથી કોંગ્રેસની રેસમાં પોતાનું નસીબ અજમાવ્યું છે.
આ કારણે કૌલે ચૂંટણી લડવાનો લીધો નિર્ણય
ડેમોક્રેટિક પાર્ટીના કૌલ અને સુશીલા જયપાલ બંનેએ નવેમ્બર 2024ની સામાન્ય ચૂંટણીઓ માટે પાર્ટીનું નામાંકન મેળવવા માટે આવતા વર્ષે પાર્ટીની પ્રાથમિક ચૂંટણી જીતવી પડશે. હિન્દી, પંજાબી, દારી, ઉર્દૂ અને અરબી સહિત આઠ ભાષાઓ જાણતી કૌલ કોંગ્રેસ માટે ચૂંટણી લડનાર કાશ્મીર મૂળની પ્રથમ મહિલા છે. તેમણે કહ્યું કે વર્જિનિયાના 10મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ માટે ચૂંટણી લડવાનો તેમનો નિર્ણય ડેમોક્રેટિક કોંગ્રેસવુમન જેનિફર વેક્સટન પછી આવ્યો છે. તમને જણાવી દઈએ કે 2019 થી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહેલી જેનિફરે ફરીથી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કર્યો છે.
આ મૂદ્દાને લઇ ચૂંટણી લડશે કૌલ
કૌલ જાહેર સુરક્ષા, શિક્ષણ અને આરોગ્ય સંભાળ જેવા મૂળભૂત મુદ્દાઓના આધારે ચૂંટણી લડશે. નોંધનીય છે કે વર્જિનિયાનો 10મો કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ એવા ભાગોમાં આવે છે જ્યાં રાજ્યમાં ભારતીય અમેરિકનો અને દક્ષિણ એશિયનોની સૌથી વધુ સંખ્યા છે. 70 થી વધુ દેશોનો પ્રવાસ કરી ચૂકેલા કૌલનો જન્મ અને ઉછેર ન્યૂયોર્કના લોંગ આઈલેન્ડમાં થયો હતો. તેના પિતા 26 વર્ષની ઉંમરે કાશ્મીરના સફાપોરાથી અમેરિકા આવ્યા હતા. તેની માતા, દિલ્હીની પંજાબી, તેના પતિ સાથે અમેરિકા આવી હતી. કૌલે જણાવ્યું કે મારા પિતા વીમા વ્યવસાયમાં કામ કરતા હતા અને મારી માતા રિયલ એસ્ટેટમાં કામ કરતી હતી.
કૌલને અભ્યાસ
ન્યૂ જર્સીમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ કૌલે અમેરિકન યુનિવર્સિટીમાંથી બીએની ડિગ્રી મેળવી. આ પછી તેણે બ્રાઉન યુનિવર્સિટી અને જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાંથી એમએનો અભ્યાસ કર્યો. તેણે બ્રાઉન યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં PhD પણ કર્યું છે.


