- પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પર ભારતીય બંધારણની સર્વોપરિતાને સ્વીકારતું નથી
- જમ્મુ કાશ્મીર આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત વિવાદ છે
- કેન્દ્ર સરકારનો નિર્ણય બંધારણીય છે: સુપ્રીમ કોર્ટ
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવાના સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે આજે નિર્ણય આપ્યો છે. સુપ્રીમે સરકારના આ પગલાને બંધારણીય ગણાવી મંજુરી આપી દીધી છે. આ બાદ નાપાક પાકિસ્તાને ફરી બકવાસ કરી છે. પાકિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાનીએ કહ્યું કે અમે જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર ભારતની સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને સ્વિકારતા નથી.
પાકિસ્તાન J&K પર ભારતીય બંધારણની સર્વોપરિતાને સ્વીકારતું નથી
જિલાનીએ કહ્યું કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પર ભારતીય બંધારણની સર્વોપરિતાને સ્વીકારતું નથી અને કહ્યું કે ભારતીય બંધારણ હેઠળની કોઈપણ પ્રક્રિયાનું કોઈ કાયદાકીય મહત્વ નથી. ભારત સ્થાનિક કાયદાઓ અને ન્યાયિક નિર્ણયોના નામે તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓથી પીછેહઠ કરી શકે નહીં. જમ્મુ અને કાશ્મીરને જોડવાની તેની યોજના ચોક્કસપણે નિષ્ફળ જશે.
J&K આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત વિવાદ
જિલાનીએ કહ્યું, “જમ્મુ કાશ્મીર આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત વિવાદ છે, જે સાત દાયકાથી વધુ સમયથી UN સુરક્ષા પરિષદના એજન્ડા પર રહેલો છે. જમ્મુ અને કાશ્મીરનું અંતિમ સમાધાન UN સુરક્ષા પરિષદના સંબંધિત ઠરાવો અનુસાર હોવું જોઈએ. અને તે કાશ્મીરી લોકોની આકાંક્ષાઓ અનુસાર થવું જોઈએ. ભારતને કાશ્મીરી લોકો અને પાકિસ્તાનની ઈચ્છા વિરૂદ્ધ આ વિવાદિત ક્ષેત્રની સ્થિતિ અંગે એકપક્ષીય નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી.”
‘કેન્દ્ર સરકારનો નિર્ણય બંધારણીય’
તમને જણાવી દઈએ કે સોમવારે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કાયદેસર ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડે ચુકાદો સંભળાવતા કહ્યું કે કલમ 370 એક અસ્થાયી જોગવાઈ છે, કેન્દ્ર સરકાર દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો તે બંધારણના દાયરામાં લેવામાં આવેલ નિર્ણય હતો.
ચુકાદો ન્યાયની હત્યા તરીકે જોવાશે
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન શાહબાઝ શરીફે આ અંગે નિવેદન આપ્યું છે. શરીફે કહ્યું કે ભારતીય સુપ્રીમ કોર્ટે UNના ઠરાવોની વિરૂદ્ધ પોતાનો નિર્ણય આપીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. શાહબાઝે કહ્યું કે અદાલતે લાખો કાશ્મીરીઓના ‘બલિદાન’ સાથે દગો કર્યો છે અને ચુકાદાને ન્યાયની હત્યા તરીકે જોવામાં આવશે.


