- ડૉ. મોહન યાદવ આવતીકાલે લેશે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકેના શપથ
- મોહન યાદવના નામની જાહેરાત બાદ લક્ષ્મણ સિંહે પાઠવી શુભેચ્છા
- વિપક્ષમાં સર્વોચ્ચ પદ આપીને કાર્યકરોનું મનોબળ વધારો: લક્ષ્મણ સિંહ
મધ્યપ્રદેશમાં ડૉ.મોહન યાદવને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટીને ભાજપે બધાને ચોંકાવી દીધા. આવતીકાલે 13 ડિસેમ્બરે બુધવારે શપથ ગ્રહણ કરીને, ઉજ્જૈન દક્ષિણના ભાજપના ધારાસભ્ય મધ્યપ્રદેશના 20મા મુખ્યમંત્રી બનશે. આ દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કોંગ્રેસને સલાહ આપી છે.
ગુના જિલ્લાની ચાચોડા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી હારી ગયેલા લક્ષ્મણ સિંહે તેમની પાર્ટીને ભાજપની તર્જ પર પોતાનો નેતા પસંદ કરવાની સલાહ આપી છે. પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં લખ્યું છે કે, “ભાજપે જમીન સાથે જોડાયેલા કાર્યકર્તાને મુખ્યમંત્રી બનાવીને એક નવી પરંપરા શરૂ કરી છે. કોંગ્રેસના કાર્યકરો પણ વર્ષોથી આવી જ આશા સાથે રાહ જોઈ રહ્યા છે. તેમને વિપક્ષમાં સર્વોચ્ચ પદ આપીને તેમનું મનોબળ વધારી શકાય છે, જે રીતે ખડગેની નિમણૂક કરવામાં આવી છે.
અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પૂર્વ ધારાસભ્ય લક્ષ્મણ સિંહે મધ્યપ્રદેશના નવનિયુક્ત મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું હતું, “મુખ્યમંત્રી બનવા પર ડૉ. મોહન યાદવને અભિનંદન. અમને આશા છે કે હવે ગાય માતા રસ્તા પર જોવા નહીં મળે. તેમની સેવા કરવામાં આવશે. ગૌશાળાઓને પૂરતું ભંડોળ મળશે અથવા તેમનું સંચાલન પણ યોગ્ય હાથમાં હશે. ચાલો જોઈએ શું થાય છે.”
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણ સિંહ ભાજપના ઉમેદવાર પ્રિયંકા મીણા સામે 61570 મતોથી ચૂંટણી હારી ગયા હતા. 2018ની વિધાનસભા ચૂંટણીમાં લક્ષ્મણ સિંહે મમતા મીનાને 9797 મતોથી હરાવ્યા હતા. પરંતુ આ વખતે મતોનું માર્જિન ઘણું મોટું હતું. લક્ષ્મણ સિંહ 50 હજારનો આંકડો પણ પાર કરી શક્યા નહિ. લક્ષ્મણ સિંહ ભાજપની જીત માટે બ્લેકમનીને જવાબદાર ઠેરવી રહ્યા છે.
હાર બાદ લક્ષ્મણ સિંહે કહ્યું હતું કે, “મધ્યપ્રદેશમાં ગઈકાલના પરિણામોથી વિચલિત ન થતાં સાથિયો. એક વ્યક્તિ જેણે ક્યારેય ચૂંટણી લડી નથી અને કાઉન્સિલરની ચૂંટણી પણ જીતી નથી તે ટીવી પર આખા રાજ્યના પરિણામો જાહેર કરી રહ્યા છે અને આ થયું પણ. આ મધ્યપ્રદેશમાં વર્ષોની લૂટનું કાળું ધન બોલી રહ્યું છે જે ચૂંટણીમાં ખર્ચવામાં આવ્યું છે.”


