- ધીરજ સાહુના ઘરે આઇટી રેડનો સાતમો દિવસ
- રાંચી સ્થિત ઘરમાં ચાલી રહી છે તપાસ
- પીએમ મોદીએ વીડિયો શેર કરીને કોંગ્રેસને લીધી આડેહાથ
મંગળવારે પણ કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના રાંચીના નિવાસ સ્થાન પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં CISF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. દરોડા દરમિયાન મહિલા દળને પણ બોલાવવામાં આવી છે. ઘણા આવકવેરા અધિકારીઓ ઓડિશાના નંબરવાળા વાહનોમાં રાંચી પહોંચ્યા છે. કોંગ્રેસ નેતા ધીરજ પ્રસાદ સાહુના ઘર અને ઓફિસો પર આવકવેરાના દરોડા ચાલુ છે અને અત્યાર સુધીમાં આવકવેરા વિભાગે 350 કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરી છે. ત્યારે PM મોદીએ બીજેપી ફોર ઇન્ડિયાએ શેર કરેલો વીડિયો રિટ્વિટ કરીને કોંગ્રેસને આડેહાથ લીધી છે.
પીએમ મોદીએ વીડિયો કર્યો રિટ્વિટ
બીજેપી ફોર ઇન્ડિયાના એક્સ હેન્ડલ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં નોટોથી ભરેલી તિજોરી સિવાય રાહુલ ગાંધીને પણ દર્શાવવામાં આવ્યા છે. ભાજપે તેને કોંગ્રેસ દ્વારા મની હેસ્ટ ગણાવી છે. આ વીડિયોને પીએમ મોદીએ રિટ્વિટ કરતા જણાવ્યું કે ભારતમાં મની હિસ્ટની કોને જરૂર છે. જ્યારે તમારી પાસે કોંગ્રેસ પાર્ટી છે જે 70 વર્ષથી લૂંટ માટે સુપ્રસિદ્ધ છે. અને હજી પણ આ ગણતરી ચાલુ જ છે.
રાંચી સ્થિત ઘરની ચાલી રહી છે તપાસ
ધીરજ સાહુના રાંચીના ઘરની આસપાસ સન્નાટો છવાયેલો છે. ઘરની બહાર માત્ર વાહનોનો કાફલો જ જોવા મળી રહ્યો છે. તેમાં અનેક લક્ઝરી વાહનો છે. કહેવાય છે કે ધીરજ સાહુના આ ઘરમાં 40 રૂમ છે. ઘરના દરેક રૂમની તપાસ કરવામાં આવી રહી છે, તેથી જ આવકવેરા વિભાગના અધિકારીઓ આટલો સમય લઈ રહ્યા છે.
સંસદમાં પણ આ મુદ્દો ઉછળ્યો હતો
લોકસભામાં બોલતી વખતે રાંચીના બીજેપી સાંસદ સંજય સેઠે કહ્યું કે ઝારખંડના કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ઘરેથી લગભગ 500 કરોડ રૂપિયાનું કાળું નાણું ઝડપાયું છે અને હજુ ગણતરી ચાલુ છે. ઝારખંડ ખનિજોનું ભંડાર છે, પરંતુ આ દિવસોમાં તે ભ્રષ્ટાચારની ખાણ બની ગયું છે. આના પર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કેમ ચૂપ છે?


