- બોરવેલમાંથી બહાર કાઢીને બાળકીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી
- બલ્બને લીધે બાળકીને ગરમી મળી અને બોટલને કારણે તેનું માથું સુરક્ષિત રહી શક્યું હતું
- ગામના કેટલાક લોકોએ બોરવેલમાં બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો હતો
ઓડિશામાં એક બોરવેલમાં ફસાયેલી નવજાત બાળકીને પાંચ કલાકની મથામણ બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી. બોરવેલમાંથી બહાર કાઢયા બાદ બાળકીને હોસ્પિટલ ખસેડાઇ હતી જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જોકે, શિયાળાની ઠંડીમાં બોરવેલમાં ફસાયેલી બાળકીની સૌથી વધારે મદદ કરી હતી એક 100 વોટના સામાન્ય બલ્બે. આ બલ્બની ગરમીને કારણે બાળકી જીવિત બચી શકી હતી. ઉપરાંત બોરવેલમાં પહેલાથી જ એક પ્લાસ્ટિકની બોટલ ફસાયેલી હતી જ્યારે કોઇએ નવજાત બાળકીને બોરવેલમાં ફેંકી હતી ત્યારે આ બોટલ તેના માટે જીવનરક્ષક બની હતી. બોટલને કારણે બાળકીનું માથું દીવાલ અને જમીનથી ટકરાતા બચી ગયું હતું. બાળકીને મંગળવારે રાત્રે બોરવેલમાંથી બચાવ્યા બાદ ગ્રીન કોરિડોર બનાવી હોસ્પિટલ લઇ જવાઇ હતી.
બાળકી હાઇપોથર્મિયાથી પીડિત
બાળકી હાઇપોથર્મિયાથી પીડિત થઇ હતી. બાળકીની સારવાર કરનારા તબીબના અનુસાર હાલ બાળકીનું આરોગ્ય સારું છે. તેના શરીર પર ઇજાના કેટલાક સામાન્ય નિશાન છે. ઠંડીમાં બોરવેલમાં પડયા રહેવાને કારણે તેને હાઇપોથર્મિયાની અસર થઇ હતી. હોસ્પિટલ દ્વારા બાળકીની સારવાર માટે મેડિકલ ટીમની રચના કરવામાં આવી હતી.
ગ્રામીણોએ રડવાનો અવાજ સાંભળ્યો હતો
ગામના કેટલાક લોકોએ બોરવેલમાં બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો હતો. જે બાદ ગ્રામીણોેએ પોલીસને જાણકારી આપી હતી. મંગળવારે સાંજે ગામની આસપાસનું તાપમાન 12 ડિગ્રીની આસપાસ હતું અને બાળકીને જ્યારે બહાર કઢાઇ ત્યારે તેના શરીર પર કપડા નહોતા.


