- સુરક્ષામાં ચૂક મામલે 6 આરોપીઓની દિલ્હી પોલીસ કરી રહી છે પૂછપરછ
- બજેટ સત્ર દરમિયાન મનોરંજન આવ્યો હતો સંસદનું સુરક્ષા તપાસવા
- સુરક્ષાની રેકી કરતાં આરોપીઓને જાણવા મળી સુરક્ષામાં ક્યાં રહે છે ચૂક
બુધવારે સંસદની સુરક્ષામાં મોટી બેદરકારીનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ, તપાસમાં સામે આવ્યું છે કે જે 6 આરોપીઓ છે તેમાંથી એક શખ્સ 35 વર્ષીય મનોરંજન ડી, તે સમયે સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા માટે જૂના સંસદ ભવનમાં મળેલ બજેટ સત્ર દરમિયાન આવ્યો હતો અને સુરક્ષામાં ખામીઓ અંગે તપાસ કરી હતી.
પોતાની પહેલાની સંસદ મુલાકાત દરમિયાન તેણે જાણવા મળ્યું હતું કે જુતાની નીચે યોગ્ય રીતે તપાસ કરવામાં નથી આવતી. તપાસ સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું છે કે બુધવારે તે સાગર શર્મા સાથે પોતાના જૂતાંમાં સ્મોક કેન છુપાવીને સંસદ ભવનમાં દાખલ થયા હતા.
સંસદની અંદર અને બહારથી ધરપકડ કરાયેલા ચાર આરોપીઓની ઓળખ મૈસુરના રહેવાસી મનોરંજન ડી, લખનઉના રહેવાસી સાગર શર્મા, હરિયાણાના જીંદના રહેવાસી નીલમ અને મહારાષ્ટ્રના લાતુરના રહેવાસી અમોલ શિંદે તરીકે થઈ છે. પાંચમા આરોપીની ઓળખ વિક્રમ ઉર્ફે વિકી શર્મા તરીકે થઈ છે, જે ગુરુગ્રામ સેક્ટર-7નો રહેવાસી છે અને હિસારનો વતની છે, તેની તપાસકર્તાઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મનોરંજન અને સાગર શર્મા પાસે 45 મિનિટ માટેના વિઝિટર પાસ હતા, પરંતુ તેઓ લગભગ બે કલાક સુધી પ્રેક્ષક ગેલેરીમાં રહ્યા હતા. સાગર શર્માએ કર્ણાટકના મૈસુર ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાના રેફરન્સ પર વિઝિટર પાસ મેળવ્યો હતો.


