- જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેનાનું સર્ચ ઓપરેશન તેજ
- રાજૌરીના ગાઢ જંગલોમાં સેનાના જવાનો દ્વારા સર્ચ ઓપરેશન
- હેલિકોપ્ટર અને ડ્રોન વડે પણ આતંકીઓને શોધવામાં આવી રહ્યા છે
રાજૌરી જિલ્લાના ડેરા કી ગલી જંગલ વિસ્તારમાં ગઈકાલથી સુરક્ષાકર્મીઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે, જ્યાં ગુરુવારે સાંજે થયેલા આતંકવાદી હુમલામાં સેનાના ચાર જવાનો શહીદ થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. તેઓની હાલ આર્મી બેઝ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે આતંકી હુમલાને લઇને ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFએ આ વિસ્તારમાં આતંકવાદીઓને શોધવા માટે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે.
સર્ચ ઓપરેશન તેજ
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ગાઢ જંગલો કથા હેલિકોપ્ટર દ્વારા આકાશી દેખરેખ રાખવામાં આવી રહી છે. મહત્વનું છે કે આતંકવાદીઓએ રાજૌરીના થાનામંડીમાં સૈનિકોને લઈ જઈ રહેલા સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, 21 ડિસેમ્બરે બપોરે લગભગ 3.45 વાગે સૈનિકોને લઈને સૈન્યના બે વાહનો ઓપરેશનલ સ્થળ તરફ જઈ રહ્યા હતા, જેના પર આતંકવાદીએ ગોળીબાર કર્યો. તો સામે જવાનો દ્વારા તરત જ ફાયરિંગનો જવાબ અપાયો હતો.
આતંકીઓએ કરી હતી રેકી ?
સૈનિકો દ્વારા ગઈકાલ સાંજથી આ વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળોના સંયુક્ત ઓપરેશનને મજબૂત કરવા જઈ રહ્યા હતા. આ ઓપરેશન 48 રાષ્ટ્રીય રાઈફલ્સ દ્વારા દેખરેખ હેઠળના વિસ્તારમાં થઈ રહ્યું છે. જે રીતે રાજૌરીમાં ડેરા કી ગલી અને બુફલિયાઝની વચ્ચે ધત્યાર ટર્ન પર સેનાના વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો, તેનાથી એવું લાગે છે કે આતંકવાદીઓએ રેકી કરી હતી. ત્યાંથી સેનાના વાહનો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો.


