- રોહિતે પિચને લઈને ICC મેચ રેફરી પર સાધ્યું નિશાન
- ICC પેનલમાં સામેલ રેફરી તટસ્થ હોવા જોઈએ: રોહિત
- બીજી ટેસ્ટમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું
કેપટાઉનમાં ગુરુવારે રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ ટેસ્ટ મેચ માત્ર દોઢ દિવસમાં ખતમ થઈ ગઈ, જે બોલના સંદર્ભમાં ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ટૂંકી ટેસ્ટ મેચ પણ હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ માત્ર 642 બોલમાં પૂરી થઈ ગઈ હતી. આ મેચ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પિચને લઈને ICC મેચ રેફરી પર નિશાન સાધ્યું હતું. મેચ બાદ ભારતીય કેપ્ટને કહ્યું કે તેને આવી પિચો પર રમવામાં કોઈ મુશ્કેલી નથી, પરંતુ ભારતમાં જ્યારે પહેલા દિવસે બોલ ટર્ન થાય છે તો લોકોએ ફરિયાદ ન કરવી જોઈએ.
રોહિત શર્મા પિચને લઈને ભડ્કયો
મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં રોહિત શર્માએ કહ્યું, “આ ટેસ્ટમાં શું થયું અને પિચ કેવી રીતે રમી રહી છે તે આપણે બધાએ જોયું. સાચું કહું તો મને આવી પિચો પર રમવામાં કોઈ મુશ્કેલી નથી, પરંતુ ભારતમાં જ્યારે પહેલા દિવસે બોલ ટર્ન થાય છે તો લોકોએ ફરિયાદ ન કરવી જોઈએ. રોહિતે વધુમાં કહ્યુ, “જ્યારે તમે સાઉથ આફ્રિકામા ટેસ્ટ ક્રિકેટ રમવા આવો છો, ત્યારે તમે ટેસ્ટ ક્રિકેટને સર્વોચ્ચ પુરસ્કાર અને પરાકાષ્ઠા તરીકે ગણાવો છો તો તમારે આ વાતને સતત વળગી રહેવું જોઈએ. ભારતમાં જ્યારે પહેલા દિવસે ટર્ન થાય તો તેઓ ‘ધૂળ, ધૂળ, ધૂળ’ બોલવાનું શરૂ કરે છે. . અહીં પણ પીચ પર તિરાડો હતી.”
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓપનર ક્રિસ બ્રોડ બે ટેસ્ટ મેચની સિરીઝ માટે ICC મેચ રેફરી હતા અને રોહિત માને છે કે ICC પેનલમાં સામેલ રેફરી તટસ્થ હોવા જોઈએ. રોહિત આક્રમક બન્યો અને કહ્યું કે ખાસ કરીને મેચ રેફરી તટસ્થ રહેવું જરૂરી છે. કેટલાક મેચ રેફરીઓએ પિચોનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે તેના પર નજર રાખવાની જરૂર છે.
મેચ રેફરી પર સાધ્યું નિશાન
રોહિત શર્માને ICC મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટનું અમદાવાદમાં 2023 વર્લ્ડ કપ ફાઇનલમાં ઉપયોગમાં લેવાતી પિચ માટે ‘સરેરાશ’ રેટિંગ પણ ગમ્યું ન હતું. તેણે કહ્યું, “હું હજી પણ વિશ્વાસ નથી કરી શકતો કે વર્લ્ડ કપની ફાઇનલ પિચને ‘એવરેજથી નીચે’ રેટિંગ આપવામાં આવી હતી. તે ખરાબ પિચ કેવી રીતે હોઈ શકે? ICC અને રેફરીઓએ આની તપાસ શરૂ કરવાની જરૂર છે. ICC પિચનું મૂલ્યાંકન તેઓ પિચને કેવી રીતે જુએ છે તેના આધારે કરવું જોઈએ, યજમાન દેશોના આધારે નહીં. હું આ પ્રકારની પિચોની તરફેણમાં છું.
કેટલાક પસંદગીના મેચ અધિકારીઓ પ્રત્યેનો અવિશ્વાસ ત્યારે સ્પષ્ટ થયો જ્યારે રોહિતે કટાક્ષમાં કહ્યું કે તે મેચ રેફરી દ્વારા પિચને રેટ કરવા માટે ઉપયોગમાં લેવાતા માપદંડો વિશે જાણવા માંગે છે. તેણે કહ્યું, “હું જોવા માંગુ છું કે પિચોને કેવી રીતે રેટ કરવામાં આવે છે. હું હવે તે જોવા માંગુ છું. હું ચાર્ટ જોવા માંગુ છું કે તેઓ પિચોને કેવી રીતે રેટ કરે છે. દેખીતી રીતે મુંબઈ, બેંગલુરુ, કેપ ટાઉન, સેન્ચ્યુરિયન, બધા અલગ છે. કારણ કે બધાની પરિસ્થિતિઓ અલગ છે.” પિચ સંપૂર્ણપણે સ્પિન-મૈત્રીપૂર્ણ હોવાના ટીકાકારો પર નિશાન સાધતા રોહિતે કહ્યું, જો બોલ પહેલા બોલથી જ સીમ થઈ જાય તો સારું છે પરંતુ જો બોલ ટર્ન કરવાનું શરૂ કરે તો તેમને તે ગમતું નથી. જો તમે ઇચ્છો છો કે બોલ માત્ર સીમ કરે અને ટર્ન નહીં, તો તે ખોટું છે.


