- શમાર જોસેફે ડેબ્યૂના પ્રથમ બોલે જ સ્મિથને આઉટ કર્યો, ઓસી. 2/59
- પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે જ પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝને 188 રનમાં ઓલઆઉટ કરી નાખ્યું હતું
- વેસ્ટ ઇન્ડિઝ તરફથી કિર્ક મેકેન્ઝીએ સર્વાધિક 50 રન બનાવ્યા હતા
સુકાની પેટ કમિન્સ અને જોશ હેઝલવૂડની ઘાતક બોલિંગની મદદથી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે જ પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝને 188 રનમાં ઓલઆઉટ કરી નાખ્યું હતું. બંનેએ ચાર-ચાર વિકેટ હાંસલ કરી હતી. યજમાન ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ ખરાબ રહી હતી અને સ્મિથ (12) તથા લાબુશેન (10) ટૂંકી ઇનિંગ રમીને આઉટ થયા હતા. સ્ટમ્પના સમયે ઓસ્ટ્રેલિયાએ બે વિકેટે 59 રન બનાવી લીધા હતા. આ સમયે ખ્વાજા 30 તથા કેમરુન ગ્રીન છ રન બનાવીને રમી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા હજુ પણ 129 રન પાછળ છે. વેસ્ટ ઇન્ડિઝ તરફથી કિર્ક મેકેન્ઝીએ સર્વાધિક 50 રન બનાવ્યા હતા. પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા શમાર જોસેફે 11મા ક્રમે બેટિંગમાં આવીને 41 બોલમાં 36 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેણે કેમર રોચ (અણનમ 17) સાથે 10મી વિકેટ માટે 55 રનની ભાગીદારી નોંધાવી હતી.
શમાર જોસેફે પ્રથમ બોલે જ વિકેટ ઝડપી
વોર્નરની નિવૃત્તિ બાદ સ્મિથ ઓસ્ટ્રેલિયાનો નવો ઓપનર બન્યો છે. વેસ્ટ ઇન્ડિઝ માટે ડેબ્યૂ કરનાર પેસ બોલર શમાર જોસેફે પોતાની કારકિર્દીના પ્રથમ બોલે જ સ્મિથને આઉટ કરીને સિદ્ધિ મેળવી હતી. જોસેફ કારકિર્દીના પ્રથમ બોલ જ વિકેટ હાંસલ કરનાર વિશ્વનો 23મો બોલર બની ગયો છે. તેણે 85 વર્ષ જૂના રેકોર્ડને સરભર કર્યો હતો. ટાઇરન જોનસને ઇંગ્લેન્ડ સામે 1939માં રમાયેલી ઓવલ ટેસ્ટમાં ઇંગ્લિશ બેટ્સમેન કિટનને પ્રથમ બોલે આઉટ કર્યો હતો.


