- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 સિરીઝ
- રોહિત અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં સંપૂર્ણ ફલોપ
- રોહિત બંને મેચમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો નથી
રોહિત શર્મા અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં સંપૂર્ણ ફલોપ રહ્યો છે. જો કે પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ રોહિત શર્મા પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આકાશ ચોપરાનું માનવું છે કે જ્યારે પણ રોહિત શર્મા આક્રમક ક્રિકેટ રમે છે ત્યારે તે વધુ સારું પ્રદર્શન કરી શકે છે. રોહિત શર્મા 14 મહિનાના લાંબા અંતર બાદ T20 ઈન્ટરનેશનલમાં પરત ફર્યો છે. પરંતુ રોહિત શર્મા વાપસી બાદ સંપૂર્ણ નિષ્ફળ રહ્ય છે અને તે બંને મેચમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો નથી.
રોહિત અંગે આકાશની પ્રતિક્રિયા
રોહિત શર્મા પાસે પોતાને સાબિત કરવાની વધુ એક તક છે. સિરીઝની છેલ્લી મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 17 જાન્યુઆરીએ રમાશે. જો રોહિત શર્મા આ મેચમાં મોટી ઇનિંગ રમવામાં સફળ રહે છે તો તેના T20 વર્લ્ડકપમાં રમવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જશે. આકાશ ચોપરાનું માનવું છે કે રોહિત શર્માએ સિરીઝની પ્રથમ બે મેચમાં વધુ પડતો આક્રમક બનવાનો પ્રયાસ કર્યો હતો અને તે તેને મોંઘુ પડ્યું હતું.
આકાશ ચોપરાએ કહ્યું, “પ્રથમ બે મેચોમાં રોહિત શર્માએ જે રીતે રમવાનો પ્રયાસ કર્યો તે જોતા કહી શકાય કે રોહિત શર્માએ અતિ આક્રમક વલણ અપનાવવાનો પ્રયાસ કર્યો હતો. રોહિત શર્મા સેટ થયા વિના બોલને ફટકારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ કારણે તે પ્રથમ મેચમાં રનઆઉટ થયો હતો અને બીજી મેચમાં તે પહેલા જ બોલ પર બોલ્ડ થયો હતો.
IPL પણ મહત્વની રહેશે
આકાશ ચોપરાએ વધુમાં કહ્યું કે, બેંગ્લોરમાં રોહિત શર્માનો અભિગમ અલગ જોવા મળી શકે છે. રોહિત શર્માએ સેટ રમવાનો પ્રયાસ કરવો જોઈએ. ત્રીજી મેચમાં રોહિત શર્માનું શ્રેષ્ઠ પ્રદર્શન જોઈ શકાય છે. રોહિત શર્મા વર્લ્ડકપમાં પણ આ કારણે સફળ રહ્યો હતો. રોહિત શર્મા અલગ સ્તરે રમી રહ્યો હતો. જો રોહિત શર્મા વર્લ્ડ કપમાં રમવા માંગે છે તો તેણે IPLમાં વધુ સારું પ્રદર્શન કરવું પડશે. જો IPLની સિઝન સારી રહેશે તો રોહિત શર્માની વર્લ્ડકપની ટીમનો ભાગ નિશ્ચિત હશે.


