લોકમાતા અહલ્યાબાઈ હોળકર: પુણ્યતિથિ નિમિત્તે ભારતવર્ષના પુણ્યશ્લોક રાજરાણીને ભાવાંજલિ
રણમેદાનથી રાજમેદાન સુધી સેવા, ભક્તિ અને શ્રેષ્ઠ શાસનની અમીટ છાપ છોડનાર ધર્મપરાયણ નારીશક્તિનો પ્રેરણાદાયી જીવનવૃત્તાંત
અગ્ર ગુજરાત,રાજકોટ
ભારતના ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠો પર જેમના કાર્યો સુવર્ણાક્ષરે અંકિત છે, તેવા મહારાણી દેવી અહલ્યાબાઈ હોળકરની પવિત્ર પુણ્યતિથિ (૧૩ ઓગસ્ટ, ૧૭૯૫) નિમિત્તે સમગ્ર ભારતવર્ષ તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. એવા સમયે જ્યારે વિદેશી સત્તાઓ પગપેસારો કરી રહી હતી અને રજપૂતો-મરાઠાઓ વિલાસમાં રચ્યાપચ્યા હતા, ત્યારે અહલ્યાબાઈએ હોળકર સામ્રાજ્યના સત્તાના સૂત્રો સંભાળીને પ્રજાકલ્યાણ અને શિવભક્તિનો ઉત્તમ માર્ગ દર્શાવ્યો હતો.
સાધારણ પૃષ્ઠભૂમિથી રાજમાતા સુધીની સંઘર્ષયાત્રા
૩૧ મે, ૧૭૨૫ના રોજ મહારાષ્ટ્રના ઓરંગાબાદ સ્થિત ‘ચોંડી’ ગામમાં માણકોજી શિંદે અને સુશીલાબાઈના ઘરે અહલ્યાબાઈનો જન્મ થયો હતો. સામાન્ય ધનગર (ભરવાડ) પરિવારમાં જન્મેલા અહલ્યાબાઈ બાળપણથી જ તંદુરસ્ત તન-મન અને ઉચ્ચ ધાર્મિક સંસ્કારો ધરાવતા હતા. તેમની પ્રતિભા જોઈ માળવાના સમર્થ સૂબેદાર મલ્હારરાવ હોળકરે તેમને પોતાના પુત્રવધૂ બનાવ્યા. અહલ્યાબાઈએ પિયર અને સાસરીના ઉચ્ચ મૂલ્યોને જાળવીને રાજકાજમાં કૌશલ્ય દાખવ્યું હતું.
દુઃખના વાદળો વચ્ચે ધૈર્ય અને કાર્યનિષ્ઠાનું ઉદાહરણ
અહલ્યાબાઈનું સમગ્ર જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું. અંગત જીવનમાં અનેક વિરહ અને મુશ્કેલીઓ આવવા છતાં તેમણે ક્યારેય ભાગેડુ વૃત્તિ ન અપનાવી. એક કાર્યક્ષમ શાસક તરીકે સ્ત્રી શક્તિનો આદર્શ પૂરો પાડતાં તેમણે પોતાના ૭૦ વર્ષના જીવનકાળમાં અંદાજે ૪૧ વર્ષ સુધી કુશળતાપૂર્વક વહીવટ ચલાવ્યો. પ્રજા તેમને પુત્રવત્ પ્રેમ આપતી હતી, આથી જ કોઈ પણ સત્તાવાર હોદ્દા વગર લોકો તેમને સ્વયંભૂ ‘માતોશ્રી’ કે ‘લોકમાતા’ તરીકે પૂજતા હતા.
ભારતભરમાં સંસ્કૃતિ અને મંદિરોના પુનરોદ્ધારનો અમર વારસો
અહલ્યાબાઈએ સમગ્ર ભારતમાં ધાર્મિક અને સામાજિક ચેતના જગાડવાનું કાર્ય કર્યું. તેમણે બદ્રિનાથ, કેદારનાથ, કાશી વિશ્વનાથ, નાસિક, મથુરા, અવંતિકા અને સોમનાથ જેવા અનેક પવિત્ર ધામોમાં ખંડિત મંદિરોના પુનરોદ્ધાર કરાવ્યા, ઘાટ બંધાવ્યા, અન્નક્ષેત્રો અને ધર્મશાળાઓની સ્થાપના કરી. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કાશી વિશ્વનાથ ધામના જીર્ણોદ્ધાર પ્રસંગે અહલ્યાબાઈના આ મહાન પ્રદાનને ગૌરવભેર યાદ કર્યું હતું.
હિમાલયથી રામેશ્વર અને ગુજરાતથી બંગાળ સુધી જેમના પુણ્યકાર્યોનો અપ્રતિમ વારસો પથરાયેલો છે, તેવા લોકમાતા અહલ્યાબાઈ હોળકરનું જીવન આજના સમાજ અને નારીશક્તિ માટે સદાંતર પ્રેરણાસ્રોત બની રહેશે.


