લાયસન્સ વગર ફટાકડા વેચવાનું ભારે પડ્યું, શાપરમાં વેપારીની ધરપકડ
પ્રગતિ મોલ પાસેની દુકાનમાં રૂ.1.25 લાખના ફટાકડા મળ્યા : ફાયર સેફ્ટીના સાધનો વિના જ સ્ફોટક સામગ્રીનો સંગ્રહ કરાયો હતો
અગ્ર ગુજરાત, રાજકોટ
શાપર-વેરાવળમાં લાયસન્સ અને જરૂરી સલામતી વ્યવસ્થા વિના ફટાકડાનો જથ્થો રાખી તેનું વેચાણ કરતા વેપારી સામે ગ્રામ્ય એસઓજીએ કાર્યવાહી કરી છે. પ્રગતિ મોલ પાસે આવેલી દુકાન નંબર-232માં દરોડો પાડી પોલીસે અલગ-અલગ પ્રકારના ફટાકડા સહિત કુલ રૂ.1,25,975નો મુદ્દામાલ કબજે કરી દુકાન સંચાલકની ધરપકડ કરી છે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સ્ફોટક પદાર્થોનો ગેરકાયદે સંગ્રહ કે વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરવા એસપી વિજયસિંહ ગુર્જરે સૂચના આપી હતી. આ અનુસંધાને પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી.જે. ઝાલા તથા એસઓજીની ટીમ પેટ્રોલિંગ અને તપાસમાં હતી. દરમિયાન વેરાવળ મેઇન રોડ પર પ્રગતિ મોલ પાસે આવેલી એક દુકાનમાં જરૂરી પરવાનગી વિના ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતાં ટીમે દરોડો પાડ્યો હતો.
પોલીસ દુકાન નંબર-232 પર પહોંચી તપાસ કરતાં દુકાનમાં હાજર વ્યક્તિએ પોતાનું નામ જયસુખ રણછોડ સોલંકી, ઉંમર 45, રહે. વેરાવળ, નવદીપ મોલની બાજુમાં ખોડીયારનગર, હોવાનું જણાવ્યું હતું. દુકાનની ઝીણવટભરી તપાસ દરમિયાન નાની-મોટી સાઇઝના જમીન પર આતશબાજી માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના ફટાકડા મળી આવ્યા હતા.
પોલીસે ફટાકડાનો જથ્થો રાખવા અંગે જરૂરી લાયસન્સ અને આધાર પુરાવા રજૂ કરવા જણાવતાં વેપારી પાસે કોઈ માન્ય પરવાનગી ન હોવાનું સામે આવ્યું હતું. વધુમાં દુકાનમાં આગની ઘટના બને તો તાત્કાલિક સુરક્ષા માટે જરૂરી ફાયર સેફ્ટીના સાધનોની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
દરોડા દરમિયાન પોલીસે ફટાકડા ઉપરાંત રોકેટ, સાઉન્ડ રોકેટ, બોમ્બ સહિતના વિવિધ પ્રકારના ફટાકડા મળી કુલ રૂ.1,25,975નો જથ્થો કબજે કર્યો હતો. આ મામલે શાપર પોલીસ મથકે આરોપી જયસુખ સોલંકી સામે BNSની કલમ 125, 288 તથા સ્ફોટક અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


