ગોંડલ નાગરિક બેંકમાં શિલ્પાબા ચુડાસમા બિનહરીફ વાઇસ ચેરમેન ચૂંટાયા
નવી બ્રાન્ચો અને સભાસદો માટે ગિફ્ટની જાહેરાત
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલના માંડવી ચોક ખાતે આવેલી નાગરિક બેંક ખાતે તાજેતરમાં બોર્ડ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આરબીઆઈ (RBI) ની ગાઈડલાઈન મુજબ 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં વાઇસ ચેરમેન ઓમદેવસિંહ જાડેજા અને ડિરેક્ટર દીપકભાઈ સોલંકીએ સ્વેચ્છાએ પોતપોતાના પદ પરથી રાજીનામા આપ્યા હતા. ગોંડલ નાગરિક બેંકમાં ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત કુલ 11 ડિરેક્ટરોનું બોર્ડ છે. ખાલી પડેલી 2 જગ્યાઓ માટે ભરવામાં આવેલા બંને ફોર્મ માન્ય ઠર્યા હતા અને ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જેમાં શિલ્પાબા ઉપેન્દ્રસિંહ ચુડાસમા અને મનીષાબેન દીપકભાઈ સોલંકીની ડિરેક્ટર તરીકે વરણી કરવામાં આવી હતી.
અગાઉ ઓમદેવસિંહ જાડેજાના રાજીનામાથી ખાલી પડેલી વાઇસ ચેરમેનની જગ્યા માટે યોજાયેલી બોર્ડ મીટિંગમાં શિલ્પાબા ઉપેન્દ્રસિંહ ચુડાસમાની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટણી થતાં તેમની સત્તાવાર વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે બેંકના ચેરમેન કિશોરભાઈ કાલરીયા, ગણેશ જાડેજા, અશોકભાઇ પીપળીયા, પ્રફુલભાઈ ટોળીયા, પૂર્વ વાઇસ ચેરમેન ઓમદેવસિંહ જાડેજા સહિત રાજકીય અને સામાજિક આગેવાનો, બેંકના ડિરેક્ટરો તેમજ નવનિયુક્ત હોદ્દેદારોના સમર્થકોએ પુષ્પગુચ્છ આપી અને મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી હતી.
બેંકના આગામી આયોજનો રાજકોટના મવડી ચોક ખાતે ગોંડલ નાગરિક બેંકની નવી બ્રાન્ચ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, આગામી સમયમાં કોલીથડ મુકામે પણ નવી શાખા ખોલવાનું આયોજન છે. બેંકના વિકાસમાં સતત સહયોગ આપતા તમામ સભાસદોને આગામી સમયમાં ખાસ ગિફ્ટ આપવાની પણ યોજના ઘડી કાઢવામાં આવી છે.


