ગોંડલના ગરનાળા ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં ફસાયેલ નીલગાયનું રેસ્ક્યુ
વનવિભાગ દ્વારા ૨૦ મિનિટ ચાલેલુ બચાવ ઓપરેશન
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ તાલુકાના ગરનાળા ગામે આવેલા જલગંગા ફાર્મ પર મનુ વિરપરિયાની વાડીના 70 ફૂટ ઊંડા કૂવામાં એક નીલગાય પડી જતા ચકચાર મચી ગઈ હતી. કૂવામાં અંદાજે 40 ફૂટ સુધી પાણી ભરાયેલું હોવાથી અબોલ પ્રાણીનો જીવ ગંભીર જોખમમાં મુકાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ગોંડલ રેન્જ આર.એફ.ઓ. એ.એ. માંગાણીના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. રાઉન્ડ ફોરેસ્ટ પ્રતિપાલસિંહ ચુડાસમાં, વાઇલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રેકર માધવ વ્યાસ તેમજ ફોરેસ્ટ સ્ટાફ દીપકસિંહ જાડેજા, અતુલ મૂંધવા, ભાવેશ ભાલાળા અને પ્રકાશ મકવાણા સહિતનો કાફલો રેસ્ક્યુ માટે જોડાયો હતો.
ટીમે સમયસૂચકતા દાખવીને દોરડા અને નેટની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. કૂવામાં ભારે પાણી હોવા છતાં વન વિભાગની ટીમે માત્ર 20 મિનિટના ટૂંકા સમયમાં નીલગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
વન વિભાગ અને વાઇલ્ડલાઈફ રેસ્ક્યુ ટીમની ઝડપી કામગીરી અને સંકલનના કારણે નીલગાયનો જીવ બચી ગયો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને લઈને ગ્રામજનોએ વન વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


