ગોંડલના ચોરડી ગામે ગૌચરમાં વીજપોલના વિરોધમાં જેટકોની ‘પ્રતિકાત્મક સ્મશાન યાત્રા’ કાઢી
ત્રીજા દિવસે ગ્રામજનો દ્વારા અનોખા કાર્યક્રમ દ્વારા વિરોધ પ્રદર્શન
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ તાલુકાના ચોરડી ગામે ગૌચરની જમીનમાં જેટકો કંપની દ્વારા વીજપોલ નાખવાની કામગીરી સામે ગ્રામજનો અને ખેડૂતોનો રોષ વધી રહ્યો છે. આ વિરોધના ભાગરૂપે આજે ત્રીજા દિવસે ગ્રામજનો અને ખેડૂતો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ગૌચર જમીન બાજુમાં આવેલા સ્મશાન ખાતે જેટકો કંપનીની પ્રતિકાત્મક અંતિમયાત્રા અને નનામી કાઢી, તેના પર છાજીયા લઈ અંતિમવિધિ કરવામાં આવી હતી. આ વિરોધ કાર્યક્રમમાં ચોરડી ગામના હર્ષદસિંહ ઝાલા, ચેતનભાઈ ગઢીયા સહિત 50થી વધુ ખેડૂતો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે ચોરડી ગામના ગ્રામજન હર્ષદસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, “ગોંડલ તાલુકાના ચોરડી ગામે છેલ્લા ત્રણ દિવસથી સતત વિરોધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેટકો કંપની દ્વારા ગૌચરની જમીનમાં થાંભલા નાખવા માટે પોલ નંખાતા હોય, જેના વિરોધમાં અગાઉ બે દિવસ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને આજે ત્રીજા દિવસે પ્રતિકાત્મક સ્મશાન યાત્રા કાઢી પૂતળું બનાવી વિરોધ નોંધાવ્યો છે.” તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ગ્રામજનો અને માલધારીઓ પ્રત્યે જેટકો કંપનીની કોઈ સંવેદના રહી નથી અને કંપની તંત્ર સંપૂર્ણપણે બેદરકાર બન્યું છે. અગાઉ લેખિતમાં માંગણીઓ કરવા છતાં અધિકારીઓ દ્વારા ગોળગોળ જવાબ આપવામાં આવે છે અને કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા કંપની, કલેક્ટર તંત્ર કે સરકાર સામેનો વિશ્વાસ ડગમગી ગયો છે. જ્યાં સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે, ત્યાં સુધી વધુ ઉગ્ર અને જલદ કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે.
આંદોલનમાં જોડાયેલા ચોડી ગામના સ્થાનિક રાણા મહાવીરસિંહ સજુભાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “જેટકો કંપની દ્વારા ગૌચરની જમીન પર અટકચાળા કરી કામ ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ કંપનીને એ ખબર નથી કે અમે ક્ષત્રિયો છીએ. ક્ષત્રિયોએ ગાયો માટે થઈને પોતાના માથા પણ આપ્યા છે. આ પ્રશ્ન માત્ર એક ગામનો નથી, પરંતુ આસપાસના દરેક ગામનો છે. આજે શરૂઆત અહીંથી થઈ છે, કાલે અન્ય ગામો અને સમાજના લોકો પણ મેદાને આવશે. સરકાર અને કંપનીની આંખ ખુલે તે માટે આ સાંકેતિક સ્મશાન યાત્રા કાઢવામાં આવી છે. ગાયો અને ગૌચર માટે થઈને અમે જલદમાં જલદ કાર્યક્રમો આપવા અને ગમે તે કરવા માટે તૈયાર છીએ.


