- મેન્સ ડબલ્સમાં બોપન્ના અને એબડેન બીજા રાઉન્ડમાં
- સુમિતને 18 વર્ષીય ચાઇનીઝ ખેલાડી શાંગ જુનચેંગે ચાર સેટ સુધી સંઘર્ષ કરાવ્યા
- વિશ્વના 27મા ક્રમાંકિત એલેકઝાન્ડર બુબલિક સામે યાદગાર વિજય હાંસલ કર્યો હતો
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સમાં ભારતના અનુભવી ખેલાડી સુમિત નાગલના અભિયાનનો અંત આવી ગયો હતો. બીજા રાઉન્ડમાં સુમિતને 18 વર્ષીય ચાઇનીઝ ખેલાડી શાંગ જુનચેંગે ચાર સેટ સુધી સંઘર્ષ કરાવ્યા બાદ 6-2, 3-6, 5-7, 4-6થી હરાવ્યો હતો. નાગલે પ્રથમ સેટ જીતીને આક્રમક શરૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ તે સતત ત્રણ સેટ હારી ગયો હતો. ચોથા સેટમાં તેની રમત ઉપર થાકની અસર પણ વર્તાઈ હતી. આ મુકાબલો બે કલાક 50 મિનિટ સુધી રમાયો હતો. નાગલે પ્રથમ રાઉન્ડમાં વિશ્વના 27મા ક્રમાંકિત એલેકઝાન્ડર બુબલિક સામે યાદગાર વિજય હાંસલ કર્યો હતો.
મેન્સ ડબલ્સમાં ભારતના રોહન બોપન્ના તથા તેના ઓસ્ટ્રેલિયન સાથીદાર મેથ્યૂ એબડેને પ્રથમ સેટમાં 0-5થી પાછળ રહ્યા બાદ જેમ્સ ડકવર્થ અને માર્ક પોલમેન્સને 7-6 (7-5), 4-6, 7-6 (10-2)થી પરાજય આપ્યો હતો. ભારતના અન્ય બે ખેલાડી પ્રશાંત અને ચંદ્રશેખરની જોડીનો પ્રથમ રાઉન્ડમાં ફુક્સોવિસ તથા મારોઝસાન સામે 6-3, 6-4થી પરાજય થયો હતો.


