- 22મીની પરીક્ષા થઈ રદ્દ
- 23 જાન્યુઆરીની પરીક્ષા રાબેતા મુજબ લેવાશે
- 22મી પરીક્ષા રદ કરતા નવી તારીખ જાહેર થશે
દેશ અને દુનિયામાં અયોધ્યામાં યોજાનારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જોર શોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ સમયે અનેક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે તો કેન્દ્ર સરકારે કેટલીક સંસ્થાઓમાં હાફ ડેની જાહેરાત કરી છે. રામ લલાના સ્વાગતને લઈને સૌ કોઈ આતુર છે ત્યારે હવે એક નવી જાહેરાત પણ કરવામાં આવી છે. આ જાહેરાત ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU)ના વિદ્યાર્થીઓને લઈને કરાઈ છે.
શું કરાઈ છે જાહેરાત
GTUના વિદ્યાર્થીઓની 22મીએ યોજાનારી પરીક્ષા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના અવસરને ધ્યાનમાં રાખીને રદ્દ કરી દેવામાં આવી છે. તો સાથે એવી જાહેરાત કરાઈ છે કે આ પરીક્ષાની તારીખ ફરીથી નક્કી કરવામાં આવશે અને પછી આ પરીક્ષા લેવામાં આવશે. તો સાથે જ 23 જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવશે તેવું પણ જાહેર કરાયું છે.
ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા ડિપ્લોમા ઈન આર્કિટ્રેક્ચર (D.Arch), બેચલર ઓફ ડિઝાઈન (B.Design), બેચલર ઈન ઈન્ટેરીઅર ડિઝાઈન (BID) સેમેસ્ટર-2 અને ઈન્ટિગ્રેટેડ M.Sc.(CS) & IMSc.(IT) સેમેસ્ટર-4 સહિત કુલ ચાર ટેકનિકલ કોર્સીસનું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ ચાર પૈકી ત્રણ કોર્સનું શૈક્ષણિક સત્ર 1 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવનાર હોવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. જ્યારે અન્ય એક કોર્સનું શૈક્ષણિક સત્ર 30 ડિસેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ચારેય કોર્સમાં શૈક્ષણિક કાર્ય માટે 90 દિવસ નક્કી કરાયા છે.
GTU દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ D.Arch, B.Design અને BIDના સેમેસ્ટર-2નો પ્રારંભ 1 ફેબ્રુઆરીથી થશે અને 25 મેના રોજ પૂર્ણ થશે. પરીક્ષાની જાહેર કરેલી તારીખ મુજબ D.Archની થિયરી પરીક્ષા 9 જૂનથી શરૂ થશે અને 18 જૂનના રોજ પૂર્ણ થશે, જેનું પરિણામ 2 ઓગસ્ટ, 2024 સુધીમાં જાહેર કરવામાં આવશે. B.Designની પરીક્ષા 10 જૂનથી 17 જૂન સુધી ચાલશે અને તેનું પરિણામ 1 ઓગસ્ટ, 2024ના રોજ જાહેર થશે. BIDની પરીક્ષા 7 જૂનથી 20 જૂન દરમિયાન યોજાશે અને તેનું પરિણામ 4 ઓગસ્ટ, 2024ના રોજ જાહેર થશે. ઈન્ટિગ્રેટેડ M.Sc.(CS) & IMSc.(IT)ની પરીક્ષા 26 એપ્રિલ, 2024થી 7 મે, 2024 દરમિયાન યોજાશે અને તેનું પરિણામ 7 જુલાઈ, 2024ના રોજ જાહેર થશે.


