- કોરિયાની વર્લ્ડ ચેમ્પિયન જોડીએ ભારતીય જોડીને પરાજય આપ્યો
- ચિરાગે કેટલાક સારા લાઇન જજમેન્ટ દેખાડયા હતા
- બીજી ગેમમાં કોરિયન જોડી ભારે પડી હતી
સાત્ત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીની મેન્સ ડબલ્સ જોડી બીડબ્લ્યૂએફ 750 ટૂર્નામેન્ટ ઇન્ડિયન ઓપનની ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન કોરિયન જોડી સામે પરાજિત થઇ ગઇ છે. સાત્ત્વિક-ચિરાગની જોડીનો 65 મિનિટ સુધી ચાલેલા ફાઇનલ મુકાબલામાં 21-15, 11-21, 18-21થી પરાજય થયો હતો. તેની સાથે જ હી કાંગ મિન અને સિયોંગે ભારતીય જોડી વિરુદ્ધ ચાલી રહેલી ત્રણ હારનો સિલસિલો સમાપ્ત કર્યો હતો. પહેલી ગેમની શરૂઆતમાં કોરિયન ખેલાડી ભારતીય જોડીઓના શરીર પર સ્મેશ કરતા જોવા મળ્યા હતા. ચિરાગે કેટલાક સારા લાઇન જજમેન્ટ દેખાડયા હતા. પહેલી ગેમના બ્રેક સુધી ભારતીય જોડીએ 11-9થી લીડ લીધી હતી. બ્રેક બાદ ભારતીય જોડી વધારે આક્રમક દેખાઇ હતી અને કોરિયન જોડીને તક આપી નહોતી. પહેલી ગેમ ભારતીય જોડીએ 21-15થી જીતી હતી. બીજી ગેમમાં કોરિયન જોડી ભારે પડી હતી. તેણે 17 મિનિટમાં જ બીજી ગેમમાં જીત મેળવી હતી. બ્રેક સુધીમાં કોરિયન જોડીએ ભારતીય ખેલાડીઓને બેકકોર્ટમાં રમવા મજબૂર કર્યા હતા. બ્રેક બાદ સાત્ત્વિક અને ચિરાગનો એટેક ફ્લેટ દેખાયો હતો જ્યારે કોરિયન જોડીએ પોતાના ડિફેન્સમાં દમદાર સુધારો કર્યો હતો. ત્રીજી અને નિર્ણાયક ગેમમાં પણ સાત્ત્વિક અને ચિરાગે સતત ભૂલો કરી હતી જેના કારણે કોરિયન જોડીને લીડ મળી હતી અને તે ત્રીજી ગેમમાં પણ જીતી જતા ભારતીય જોડી ફાઇનલમાં પરાજિત થઇ હતી.


