- કિવિ બેટ્સમેનોનું ફોર્મ ચિંતાજનક, ભારત રનરેટને પણ ધ્યાનમાં રાખશે
- ટૂર્નામેન્ટમાં હાઇએસ્ટ રનના મામલે ત્રીજા ક્રમાંકે છે
- ભારતીય બેટ્સમેનો સામે કિવિ બેટ્સમેનોએ પણ મોટો સ્કોર નોંધાવવો
સતત ત્રણ વિજય હાંસલ કર્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપના સુપર-6 તબક્કાના મુકાબલામાં મંગળવારે ન્યૂઝીલેન્ડ સામે મેદાને ઉતરશે ત્યારે તેનો ટાર્ગેટ પોતાની વિજયની રિધમને જાળવી રાખવાનો રહેશે. ગ્રૂપ-એમાં ટોચના ક્રમે રહીને સુપર-6માં ભારતીય ટીમે લીગ તબક્કામાં બાંગ્લાદેશ, આયરલેન્ડ તથા અમેરિકાને હરાવ્યું હતું. પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે કેટલીક મુશ્કેલીઓ નડી હતી પરંતુ બાકીની બંને મેચમાં ભારતે આસાનીથી વિજય હાંસલ કરી લીધા હતા. ભારત માટે પ્રત્યેક મેચમાં એક કે બે બેટ્સમેનોએ જવાબદારીથી બેટિંગ કરીને સ્કોર નોંધાવ્યો હતો. ત્રીજા ક્રમાંકિત મુશીર ખાને સતત સારી ઇનિંગ રમી છે. તેના નામે એક સદી અને એક અડધી સદી નોંધાયેલી છે. તે ટૂર્નામેન્ટમાં હાઇએસ્ટ રનના મામલે ત્રીજા ક્રમાંકે છે.
આદર્શસિંહ સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવી શક્યો નથી અને તે મોટો સ્કોર નોંધાવવાનો પ્રયાસ કરશે. ઓપનર કુલકર્ણીનો સદી નોંધાવ્યા બાદ આત્મવિશ્વાસ વધારે મજબૂત બન્યો હશે. સુકાની ઉદયે પણ સારું યોગદાન આપ્યું છે. બોલિંગમાં પેસ બોલર નમન તિવારી ઉપર વધુ એક વખત મદાર રહેશે. છેલ્લી બે મેચમાં તેણે ચાર વિકેટ હાંસલ કરી હતી. સ્પિનર સોમી પાંડે આઠ વિકેટ ઝડપી ચૂક્યો છે.
ન્યૂઝીલેન્ડ ગ્રૂપ-ડીમં ત્રણ મેચમાં બે વિજય સાથે બીજા ક્રમે રહ્યું હતું પરંતુ તેના બેટ્સમેનો સંઘર્ષ કરતા હોય તેવું લાગી રહ્યું હતું.અફઘાનિસ્તાન સામે 91 રનનો ટાર્ગેટ હાંસલ કરવામાં નવ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય બેટ્સમેનો સામે કિવિ બેટ્સમેનોએ પણ મોટો સ્કોર નોંધાવવો પડશે. બંને ટીમો મેચ દરમિયાન રનરેટને પણ ધ્યાનમાં રાખશે.


