- હેમંત સોરેને તેમની ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
- ધરપકડને પડકારતી અરજી પર 2 ફેબ્રુઆરીના રોજ સુનાવણી
- રાજ્યમાં સરકારને તોડી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે: હેમંત સોરેને
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને તેમની ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેમાં તેણે દાવો કર્યો છે કે તેની ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે હેમંત સોરેનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે, ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. હેમંત સોરેનની ધરપકડને પડકારતી અરજી પર 2 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેંચ સવારે 10.30 વાગ્યે સુનાવણી કરશે.
સરકારને તોડી પાડવાનું ષડયંત્ર
પોતાની અરજીમાં સોરેને કહ્યું છે કે મને ગવર્નર હાઉસમાંથી ગેરકાયદેસર રીતે મારી ધરપકડ કરવમાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ઝારખંડ રાજ્યમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડવા માંગે છે અને આ માટે તે EDનો દુરુપયોગ કરી રહી છે. EDની આ વિવાદાસ્પદ કાર્યવાહી કેન્દ્ર સરકારના આદેશ પર કરવામાં આવી છે.
EDએ સત્તાનો દુરુપયોગ કર્યો
સોરેને કહ્યું છે કે EDએ તેની સત્તાનો દુરુપયોગ કર્યો છે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે EDને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટ 31 જાન્યુઆરીએ રાત્રે 9 વાગ્યે વહેલી સુનાવણીની માંગ પર વિચાર કરશે. હેમંત સોરેને તેની પૂછપરછ કરી રહેલા ED અધિકારીઓ સાથે પણ આ માહિતી શેર કરી હતી.
અરજી અનુસાર, સોરેને ED અધિકારીઓને કહ્યું હતું કે તમે સુપ્રીમ કોર્ટના નિર્ણય સુધી રાહ જુઓ. પરંતુ તેમ છતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ માહિતી હોવા છતાં, EDના સહાયક નિર્દેશક દેબબ્રત ઝાએ ગેરકાયદેસર રીતે હેમંત સોરેનની રાજભવનમાંથી ધરપકડ કરી હતી જ્યાં તેઓ રાજ્યપાલને રાજીનામું આપવા ગયા હતા.


