- પીસીબીએ હજુ સુધી શ્રીલંકન બોર્ડને હોટેલ,ફ્લાઇટ્સ વગેરેના નાણાં ચૂકવ્યા નથી
- પ્રવાસ સહિત અન્ય બાબતો ઉપર વધારાનો ખર્ચ કરવો પડયો હતો
- ક્રિકેટ બોર્ડ વચ્ચે નાણાકીય મામલે મોટો વિવાદ સર્જાયો છે
પાકિસ્તાન અને શ્રીલંકન ક્રિકેટ બોર્ડ વચ્ચે નાણાકીય મામલે મોટો વિવાદ સર્જાયો છે અને બંને બોર્ડ એકબીજાની સામસામે થઈ ગયા છે. 2023ના રમાયેલા એશિયા કપને શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવતા લગભગ ત્રણથી ચાર મિલિયન ડોલર (લગભગ 25થી 33 કરોડ રૂપિયા)નો વધારાનો ખર્ચ આવ્યો છે અને તેને કોણ ભોગવે તે અંગે બંને બોર્ડ આમનેસામને થઈ ગયા છે. બીસીસીઆઈએ સુરક્ષાના મુદ્દે પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઇબ્રિડ મોડેલ ઉપર એશિયા કપ રમાડયો હતો. ટૂર્નામેન્ટની મોટા ભાગની મેચો શ્રીલંકામાં રમાઈ હતી પરંતુ કેટલાક મુકાબલા પાકિસ્તાનમાં રમાયા હતા. પરિણામ સ્વરૂપે ચાર્ટર્ડ ફ્લાઇટ, હોટેલ બુકિંગ, વેન્યૂ ફી અને પ્રવાસ સહિત અન્ય બાબતો ઉપર વધારાનો ખર્ચ કરવો પડયો હતો.
શ્રીલંકન બોર્ડે ગયા સપ્તાહે યોજાયેલી એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં સ્પષ્ટતા કરી દીધી હતી કે તે વધારાનો બોજો વહન કરશે નહીં કારણ કે આ આયોજનમાં તેને કોઈ વધારાનો નફો થયો નથી.


