લગ્નનું વચન આપી પછી હડધૂત કરાતા યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
ગોંડલના કોલીથડની સીમમાં બનાવઃ જીવવું હોય તો જીવ, મરવું હોય તો મરી જા..ના કથિત શબ્દોથી યુવતી આઘાતમાં આવી હોવાનો પિતાનો આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગોંડલ તાલુકાના કોલીથડ ગામની સીમમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પ્રેમસંબંધમાં લગ્નની આશા બંધાયા બાદ સંબંધ તોડી નાખવામાં આવતાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. યુવતીના પિતાની ફરિયાદના આધારે ગોંડલ તાલુકા પોલીસે યુવતીના પ્રેમી સામે મરવા મજબૂર કરવા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નંઢેવાલ ગામના વતની અને હાલ કોલીથડની સીમમાં વાડીમાં રહેતા મડિયાભાઈ ભાભોરની 22 વર્ષીય પુત્રી અનિષાબેન ઉર્ફે હંસાબેનને કોલીથડના રામ વિનુભાઈ ભરવાડ સાથે પ્રેમસંબંધ હતો. પરિવારના જણાવ્યા મુજબ, યુવતી અને રામ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ફોન પર વાતચીત ચાલતી હતી અને રામે તેની સાથે લગ્ન કરવાની વાત પણ કરી હતી.
આ અંગે પરિવારને જાણ થતાં યુવતીને સમજાવવામાં આવી હતી અને થોડા સમય માટે તેને વતનમાં સગાના ઘરે મોકલી દેવામાં આવી હતી. એટલું જ નહીં, તેનો મોબાઇલ ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો. જોકે, યુવતીએ નવો મોબાઇલ મેળવી ફરી રામ સાથે સંપર્ક જાળવી રાખ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ દરમિયાન આશરે ત્રણ મહિના અગાઉ પરિવાર વતનમાંથી કોલીથડની સીમમાં મનીષભાઈ સાવલિયાની વાડીમાં ભાગવાળી તરીકે રહેવા આવ્યો હતો. તા.27 જુલાઈના રોજ રામ ભરવાડ અને તેના પિતા વિનુભાઈ વાડી પર આવ્યા હતા. યુવતીના પિતાએ રામના પિતાને પુત્રી અને રામ વચ્ચેના સંબંધની વાત કરી તેની સાથે લગ્ન કરાવવા અંગે વાત કરી હતી.
ફરિયાદ મુજબ, રામે અનિષાને પોતાના ઘરે લઈ જવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે તેના પિતા વિનુભાઈ યુવતીને સમજાવવા માટે તેને પોતાના ઘરે લઈ ગયા હતા. જોકે, રાત્રિના સમયે રામ અને તેના પરિવારજનો યુવતીને તેના પરિવારના સગા પ્રકાશ મેડાની વાડી પાસે મૂકી ગયા હતા.
ત્યાં યુવતીને પૂછપરછ કરતાં તેણે રડતાં રડતાં જણાવ્યું હતું કે રામ સાથે તેનો પ્રેમસંબંધ હતો અને તેણે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. પરંતુ હવે રામે લગ્ન કરવાનો ઇનકાર કરી તેની સાથે બોલાચાલી કરી હતી. ફરિયાદમાં આક્ષેપ છે કે રામે સંબંધ રાખવાનો ઇનકાર કરતાં યુવતીને ‘તારે જીવવું હોય તો જીવ, મરવું હોય તો મરી જા’ તેમ કહી હડધૂત કરી કાઢી મૂકી હતી.
આ ઘટનાના બીજા જ દિવસે તા.28 જુલાઈના રોજ અનિષાએ ઝેરી દવા પી લેતાં પરિવારજનો તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે, સારવાર દરમિયાન તા.30 જુલાઈના રોજ તેનું મોત નીપજ્યું હતું.
બનાવને પગલે મૃતકના પિતા મડિયાભાઈ ભાભોરે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રામ વિનુભાઈ ભરવાડ સામે યુવતીને આપઘાત કરવા મજબૂર કરવા ઉપરાંત એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સમગ્ર ઘટનાના સંજોગો, પ્રેમસંબંધ અને યુવતીને કરવામાં આવેલી કથિત હડધૂત અંગે વધુ તપાસ હાથ ધરી છે.


