ફૂટપાથને ઓમેગા હોસ્પિટલનો ખાનગી પાર્કિંગ ઝોન બનાવી દેવાયો..!
150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાસે મનમાનીનો મેડિકલ મોડેલ : સ્ટાફના બાઈક ફૂટપાથ પર, ડોક્ટરની કાર માટે બેરીકેટ અને સિક્યુરિટી ગાર્ડની ચોકી; રાહદારીઓ હેરાન, મનપાની જગ્યા રોકાણ શાખા સામે પણ સવાલો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વકરતી જાય છે અને શહેરના મુખ્ય માર્ગોથી લઈને શેરી-ગલીઓ સુધી વાહનોની ભીડ વધતી જાય છે. પરંતુ શહેરમાં કેટલીક હોસ્પિટલોએ જાણે આ સમસ્યાને વધુ ઘેરી બનાવવાનું બીડું ઝડપ્યું હોય તેવું લાગી રહ્યું છે. દર્દીઓની સારવાર કરવાના નામે ચાલતી હોસ્પિટલની બહાર જાહેર રસ્તા અને ફૂટપાથને જ ખાનગી પાર્કિંગમાં ફેરવી દેવામાં આવે તો પછી સામાન્ય રાહદારી જાય ક્યાં?
150 ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ નજીક આવેલી ઓમેગા હોસ્પિટલ સામે આવું જ એક ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. હોસ્પિટલ સ્ટાફના ટુ-વ્હીલરો ફૂટપાથ પર ખડકી દેવામાં આવ્યા છે અને પરિણામે રાહદારીઓ માટે ફૂટપાથ પરથી ચાલવાનો રસ્તો જ જાણે ગાયબ થઈ ગયો છે. વાત અહીં અટકતી નથી. ડોક્ટરની કાર માટે જાહેર જગ્યા રિઝર્વ રાખવા બેરીકેટ પણ ગોઠવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
જાહેર રસ્તા અને ફૂટપાથ પર સામાન્ય નાગરિક વાહન પાર્ક કરે તો દંડ અને કાર્યવાહીનો ડંડો બતાવવામાં આવે છે, પરંતુ જો હોસ્પિટલનો સ્ટાફ જ ફૂટપાથને પાર્કિંગ બનાવી દે તો શું નિયમોની આંખે પટ્ટી બંધાઈ જાય છે? સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અહીં અન્ય કોઈ વ્યક્તિ વાહન પાર્ક ન કરી શકે તે માટે સિક્યુરિટી ગાર્ડને પણ તૈનાત રાખવામાં આવ્યો છે. એક નામાંકિત બિઝનેસમેન પોતાની કાર પાર્ક કરવા જતા સિક્યુરિટી ગાર્ડે તેમને રોક્યા હોવાનું અને અહીં માત્ર ડોક્ટર જાડેજા સાહેબની ગાડી જ પાર્ક થવાની હોવાનું જણાવ્યું હતુ. આ વાત મામલે સવાલ વધુ ગંભીર બને છે. જાહેર ફૂટપાથ પર કોની ગાડી પાર્ક થશે તેનો નિર્ણય લેવાનો અધિકાર હોસ્પિટલને કોણે આપ્યો?
હોસ્પિટલના સ્ટાફના વાહનો ફૂટપાથ પર ગોઠવાઈ જાય, ત્યારબાદ ડોક્ટરની કાર માટે જગ્યા ખાલી રાખવા બેરીકેટ મુકાઈ જાય અને તેની ચોકીદારી માટે સિક્યુરિટી ગાર્ડ ઉભો રહે.. આ દ્રશ્ય ખરેખર જાહેર માર્ગનું છે કે પછી કોઈ ખાનગી મિલકતનું? તે પણ વિચારવા લાયક અને તપાસ માંગી લે તેવી બાબત છે.
ઓમેગા હોસ્પિટલ પાસે જો પોતાનું પૂરતું પાર્કિંગ હોય તો સ્ટાફ અને ડોક્ટરના વાહનો ત્યાં કેમ ન મુકાય? અને જો હોસ્પિટલની અંદર પાર્કિંગની વ્યવસ્થા અપૂરતી હોય તો મનપા દ્વારા શરૂ કરાયેલા પે એન્ડ પાર્કિંગનો ઉપયોગ કેમ ન કરવામાં આવે? દર્દીઓ અને તેમના સગાઓને મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા કરવી અલગ બાબત છે, પરંતુ જાહેર ફૂટપાથને કાયમી રીતે ખાનગી પાર્કિંગમાં ફેરવી દેવાનો અધિકાર કોઈને નથી.
આ સમગ્ર મામલે મહાનગરપાલિકાની જગ્યા રોકાણ શાખા અને ટ્રાફિક તંત્રની ભૂમિકા પણ તપાસના દાયરામાં આવે છે. જો ખરેખર જાહેર ફૂટપાથ પર દબાણ થયું હોય તો અત્યાર સુધી કાર્યવાહી કેમ નહીં? શું કોઈ ફરિયાદની રાહ જોવામાં આવી રહી છે કે પછી હોસ્પિટલ છે એટલે ચાલે એવો કોઈ અલિખિત નિયમ છે?
રાજકોટમાં ટ્રાફિક શિસ્તના નામે સામાન્ય વાહનચાલકો સામે કડકાઈ બતાવતી વ્યવસ્થા હવે હોસ્પિટલ સામે પણ એટલી જ નિષ્પક્ષતા બતાવશે કે નહીં તે જોવાનું રહ્યું. ફૂટપાથ રાહદારીઓ માટે છે, પાર્કિંગ માટે નહીં. અને જો કોઈ ખાનગી સંસ્થા તેને પોતાની મિલકત સમજીને કબજે કરે તો તેને રોકવાની જવાબદારી પણ મહાનગરપાલિકાની છે.
હવે જોવાનું એ છે કે ઓમેગા હોસ્પિટલ સામેની આ કથિત ફૂટપાથ પાર્કિંગ વ્યવસ્થા તંત્રને દેખાય છે કે નહીં..? અને દેખાય તો બેરીકેટ હટશે..?, ફૂટપાથ ખુલશે કે પછી મેડિકલ પાર્કિંગના નામે મનમાની યથાવત રહેશે?
ફૂટપાથ રાહદારીઓ માટે, ખાનગી પાર્કિંગ માટે નહીં
ફૂટપાથનો મૂળ હેતુ રાહદારીઓને સુરક્ષિત અને અવરજવર માટે જગ્યા આપવાનો છે. કોઈ ખાનગી હોસ્પિટલ, દુકાન કે સંસ્થા તેને પોતાના સ્ટાફના વાહનો માટે કાયમી પાર્કિંગ તરીકે ઉપયોગમાં લઈ શકે નહીં. જાહેર માર્ગ પર અવરોધ ઊભો થાય તો સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા કાર્યવાહી થઈ શકે છે.
જાહેર રસ્તા પર રિઝર્વ પાર્કિંગ કેવી રીતે?
જાહેર રસ્તા પર પોતાની ગાડી માટે જગ્યા રોકી રાખવી અને અન્ય લોકોને ત્યાં વાહન પાર્ક ન કરવા દેવું એ ગંભીર સવાલ ઊભો કરે છે. જો કોઈ સત્તાવાર પરવાનગી ન હોય તો બેરીકેટ મૂકીને જાહેર જગ્યા ખાનગી ઉપયોગ માટે રોકવી નિયમસંગત છે કે નહીં તેની મનપાએ તપાસ કરવી જોઈએ.
સ્ટાફના વાહનોની જવાબદારી હોસ્પિટલની
હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ હોય છે. તેમના વાહનો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા કરવી હોસ્પિટલ સંચાલનની જવાબદારી છે. જાહેર ફૂટપાથ પર બાઈકની લાઈન લગાવી દેવી એ પાર્કિંગની અછતનો ઉકેલ નથી.
સિક્યુરિટી ગાર્ડને જાહેર રસ્તાના ચોકીદાર બનાવવાનો અધિકાર છે.?
જો જાહેર ફૂટપાથ પર કોઈ સિક્યુરિટી ગાર્ડ ઉભો રહીને લોકોને વાહન પાર્ક કરતા રોકે છે તો સૌથી પહેલો સવાલ એ થાય કે તેને આ જગ્યા પર નિયંત્રણ કરવાનો અધિકાર કોણે આપ્યો? હોસ્પિટલ પાસે કોઈ સત્તાવાર મંજૂરી હોય તો તે પણ જાહેર થવી જોઈએ; ન હોય તો મનપાએ સ્થળ તપાસી કાર્યવાહી કરવી જોઈએ.
મનપાની જગ્યા રોકાણ શાખાની અગ્નિપરીક્ષા
રાજકોટમાં જાહેર માર્ગો અને ફૂટપાથ પરના દબાણ સામે કાર્યવાહી કરવાની જવાબદારી તંત્રની છે. ઓમેગા હોસ્પિટલ પાસે ખરેખર જાહેર ફૂટપાથ પર બેરીકેટ, સ્ટાફના વાહનો અને ખાનગી પાર્કિંગની વ્યવસ્થા છે કે નહીં તેની સ્થળ તપાસ કરવામાં આવે. દબાણ સાબિત થાય તો તાત્કાલિક દૂર કરી ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લો કરવો જોઈએ.


