- ઉદ્ધવ ઠાકરે બાદ હવે શરદ પવારને પણ મોટો ફટકો
- આજે ત્રણ વાગ્યા સુધીમાં નવું નામ સુપરત કરવું પડશે
- નામ નહીં અપાય તો ચૂંટણી પંચ પોતાની રીતે શરદ પવાર જૂથને નામ, ચૂંટણી ચિહન ફાળવશે
એનસીપી નેતા શરદ પવારને ચૂંટણી પંચે મોટો આંચકો આપ્યો છે. ચૂંટણી પંચે અજિત પવાર જૂથને અસલ એનસીપી ગણાવી છે. ચૂંટણી પંચે કહ્યું કે તમામ પુરાવા ધ્યાનમાં લેતા નિર્ણય કરાયો છે કે અજિત પવાર અને તેમની સાથે ગયેલા ધારાસભ્યો જ અસલ એનસીપી છે. અજિત પવાર જૂથને એનસીપીના નામ અને ચૂંટણી ચિહન ઘડિયાળનો ઉપયોગ કરવાનો અધિકાર છે. ચૂંટણી પંચે 6 મહિનાથી પણ વધુ સમય સુધી ચાલેલી સુનાવણી બાદ મંગળવારે અજિત પવાર જૂથની તરફેણમાં આદેશ સંભળાવ્યો. શરદ પવાર જૂથે ચૂંટણી પંચના નિર્ણયને લોકશાહીની હત્યા તરીકે ગણાવ્યો હતો. અજિત પવાર જુલાઇ, 2023માં શરદ પવાર વિરુદ્ધ બળવો કરી એનસીપીના 40 ધારાસભ્ય સાથે શિંદે સરકારમાં જોડાયા હતા.
આજે ત્રણ વાગ્યા સુધીમાં નવું નામ સુપરત કરવું પડશે
શરદ પવાર જૂથને નવું નામ અને ચૂંટણી ચિહન આજે બુધવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ફાળવાશે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે શરદ પવાર જૂથ સમયસર બહુમતી સાબિત કરી શક્યું નથી. રાજ્યસભાની 6 બેઠક માટે ચૂંટણીની સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને શરદ પવાર જૂથને ચૂંટણી સંચાલન નિયમ 1961ના નિયમ 39AAનું પાલન કરવા વિશેષ રાહત અપાઇ છે. નામ નહીં અપાય તો ચૂંટણી પંચ પોતાની રીતે શરદ પવાર જૂથને નામ, ચૂંટણી ચિહન ફાળવશે.


