- માન્ચેસ્ટર સિટીએ સતત પાંચમો વિજય મેળવ્યો
- લિવરપૂલ એફસી બાદ બીજા ક્રમે પહોંચી
- ફોડેને 14 ગોલ કરવાની સાથે લિવરપૂલના મોહમ્મદ સાલાહની બરોબરી પણ કરી હતી
ભારતની યજમાનીમાં 2017ના અંડર-17 ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના વિજયના સ્ટાર ખેલાડી ફિલ ફોડેને હેટ્રિક નોંધાવતા માન્ચેસ્ટર સિટીએ ઇંગ્લિશ પ્રીમિયર લીગની મેચમાં બ્રેન્ટફોર્ડને 3-1થી પરાજય આપ્યો હતો. ફોડેને કારકિર્દીની બીજી હેટ્રિક નોંધાવી છે. બ્રેન્ટફોર્ડને હરાવીને સિટીની ટીમે ટાઇટલ જીતવાની આશાને જીવંત રાખી છે. તે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગઈ છે. તેના અને લિવરપૂલને 3-1થી હરાવનાર આર્સનલના 49-49 પોઇન્ટ છે પરંતુ સિટીની ટીમ એક મેચ ઓછી રમી છે અને તેની ગોલ સરેરાશ પણ આર્સનલ કરતાં વધારે સારી છે. ટોચના ક્રમે રહેલી લિવરપૂલ (51 પોઇન્ટ) અને સિટી વચ્ચે માત્ર બે પોઇન્ટનો ફરક રહી ગયો છે.
ફિલ ફોડેનની હેટ્રિક વિશેષ રહી છે કારણ કે તેણે ગોલ મશીન બનેલા એર્લીંગ હાલેન્ડ તથા કેવિન ડી બ્રૂઇનની હાજરીમાં ત્રણેય ગોલ કર્યા હતા. 21મી મિનિટે નીલ માઉપે ગોલ કરીને બ્રેન્ટફોર્ડને 1-0ની લીડ અપાવી હતી. પ્રથમ હાફના સ્ટોપેજ ટાઇમમાં ફોડેને બ્રેન્ટફોર્ડના ખરાબ ડિફેન્સનો ફાયદો ઉઠાવીને સ્કોર 1-1થી સરભર કર્યો હતો. 53મી મિનિટે તેણે સિટીની ટીમને 2-1થી આગળ કરી દીધા બાદ 70મી મિનિટે પોતાની હેટ્રિક પૂરી કરી હતી. ફોડેને તમામ લીગ મેચોમાં સિટી માટે કુલ 14 ગોલ કર્યા છે. 27મી ડિસેમ્બર બાદ ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં માન્ચેસ્ટર સિટીનો આ સતત પાંચમો વિજય છે. હાલેન્ડ 86 મિનિટ સુધી મેદાનમાં રહ્યો હતો પરંતુ તેણે કોઈ ગોલ કર્યો નહોતો પરંતુ ફોડેનને ત્રીજો ગોલ કરવામાં મદદ કરી હતી. ફોડેને 14 ગોલ કરવાની સાથે લિવરપૂલના મોહમ્મદ સાલાહની બરોબરી પણ કરી હતી.


